ડખ્ખો કરી ચારેય શખ્સ નાસી છૂટ્યાઃ નાના થાવરીયા ગામે કાંટાની વાડ બાંધવાના પ્રશ્ને પરિણીતાને ઢીકા-પાટુ વડે મારકૂટઃ ચાર શખ્સ સામે નોંધાવાતી ફરિયાદ
જામનગર મોર્નિંગ જામનગર. જામનગરના પડાણા અને નાના થાવરીયા ગામે બંને જગ્યાએ માથાકૂટના બનાવમાં ચાર વ્યક્તિઓ ઉપર હુમલો કરાતાં ઇજા પહોંચવા અંગે બંને બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના પડાણા ગામે રહેતા દેવાભાઇ લખમણભાઇ નાંગેશ (ઉ.વ. 26) નામના યુવાન અને તેના માતા-પિતા ઉપર ગામના જ લખધીર સામત રબારી, આલા લગધીર રબારી, સાગર લગધીર રબારી અને એક અજાણ્યો શખ્સ મળી ચારેયે એકસંપ કરી દેવાભાઇ નાંગેશના ઘરમાં ઘુસી હથીયાર વડે હુમલો કરતાં મુંઢ ઇજાઓ પહોંચતા માતા-પિતા અને પુત્રને સારવારમાં ખસેડાયા છે, હુમલાનો ભોગ બનનાર દેવાભાઇ નાંગેશનો નાનો ભાઇ મનસુખ લગધીરભાઇની દિકરીને ઘણાં સમય પહેલાં ભગાડીને લઇ ગયો હોય, જેનું મન દુઃખ રાખી ઉપરોક્ત ચારેય શખ્સોએ તેઓના ઘરે જઇ ડખ્ખો કર્યાનું મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ ડી.એસ. વાઢેર ચલાવી રહ્યા છે.
જ્યારે જામનગરના નાના થાવરીયા ગામે રહેતા રુકમણીબેન રાજેન્દ્રસિંહ કેર (ઉ.વ. 25) નામની પરિણીતાને લાખાજી ભગવાનસંગ, જોશનાબા બહાદુરસિંહ, દેવુબેન નારુભા, ટીડીબેન નારુભા નામના ચારેય શખ્સે લાકડાના ધોકા વડે હુમલો કરી તેમજ ઢીકા-પાટુ વડે મારકૂટ કરી મુંઢ ઇજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં રુકમણીબેન કેર દ્વારા પંચકોશી એ ડીવીઝનમાં ચારેય શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવાઇ છે, જેનો ભોગ બનનાર રુકમણીબેન કેર અને આરોપીઓ વચ્ચે કાટાંની વાડ બાંધવાના પ્રશ્ને ડખ્ખો થયાનું ફરિયાદમાં જાહેર થતાં આ બનાવ અંગે પંચકોશી એ ડીવીઝનના હે.કો. જી.પી. ગોસાઇ આગળની તપાસ ચલાવી રહ્યા છે.