સેવન સીઝન રીસોર્ટમાં  થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં માથાકુટ
 ખુરશીઓ ઉલળી: કારમાં તોડફોડ: બે ઘવાયા :
જામનગર મોર્નિંગ- જામનગર. જામનગરમાં થર્ટી ફર્સ્ટની પાર્ટી દરમ્યાન સેવન સીઝન રીસોર્ટમાં અજાણ્યા શખ્સોએ તોફાન કરી રીસોર્ટના સ્ટાફને માર મારી તોડફોડ કરતા સનસનાટી મચી જવા પામી હતી. જો કે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા પામી નથી.

જામનગરમાં ગઇકાલે રાત્રે જુદા-જુદા પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરની ભાગોળે આવેલા સેવન સીઝન રીસોર્ટમાં પણ નવા વર્ષને આવકારવા માટે ધમાકેદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક તેમજ વિદેશથી પરર્ફોમન્શ કરવા આવેલા કલાકારોએ નવા વર્ષની ઉજવણીમાં ચારચાંદ લગાવ્યા હતાં. દરમ્યાન પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. જેમાં રાત્રે બે ક વાગ્યાના સુમારે પાંચ અજાણ્યા શખ્સો અને રીસોર્ટના સ્ટાફ વચ્ચે કોઇપણ કારણસર બોલાચાલી થઇ હતી.

દરમ્યાન મામલો બીચકયો હતો અને અજાણ્યા શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતાં. અજાણ્યા શખ્સોએ ખુરશીઓ લઇ સ્ટાફ પર હુમલો કરતા બે વ્યક્તિઓને માથાના ભાગે ઇજા પણ પહોંચી હતી. અજાણ્યા શખ્સોએ સ્ટાફ પર કરેલા હુમલા બાદ વાહનોમાં તોડફોડ કરી એક કારના કાચ તોડી નાખ્યા હતાં. જો કે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.