જામનગર મોર્નિંગ - જામનગર૧૦/૧ : જામનગરના
આદર્શ સ્મશાન નજીક બુધ્ધવાસ વિસ્તારમાં જામ્યુકોની જગ્યામાં ગેરકાયદે રીતે
વર્ષોથી ખડકી દેવાયેલા ચાર મકાનો ઉપર આજે જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ
શાખા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું છે અને 4000 ફુટ જેટલી જગ્યા ખુલ્લી
કરાવાઈ છે. ઉપરોક્ત દબાણ વાળી જગ્યા મામલે સ્થાનિક રહેવાસી દ્વારા દબાણ
હટાવવા માટે અદાલતમાં કાનુની લડત ચલાવાઈ હતી જેમાં પક્ષકાર તરીકે જામનગર
મહાનગરપાલીકાને જોડ્યા હતા જેમાં દબાણ કરતાનો પરાજય થઈ જતા અને કોર્ટે દબાણ
દૂર કરવા આદેશ કરતા આખરે ઉપરોક્ત ચાર મકાનોના દબાણો ઉપર જામ્યુકોનું
બુલડોઝર ફેરવી દેવાયું છે.
જામનગરમાં આદર્શ સ્મશાન નજીક
બુધ્ધવાસ વિસ્તારમાં ચાર આસામીઓ દ્વારા ઘણા લાંબા સમયથી મહાનગરપાલીકાની
જમીન ગેરકાયદે દબાણ ખડકી દેવાયું હતું. ચાર આસામીઓએ પાકા મકાનો બનાવી લઇ
ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા આ મામલે તેજ વિસ્તારમાં રહેતા સ્થાનિક
રહેવાસીએ અદાલતનો આશરો લીધો હતો અને પોતાની અવરજવર માટે ઉપરોક્ત ચારેય
મિલ્કતો અડચણ રૂપ થાય છે તેવો દાવો કર્યો હતો જે દાવામાં જામનગર
મહાનગરપાલીકાને પક્ષકાર તરીકે જોડી હતી, છ વર્ષના લાંબા કાનુની જંગ પછી
ઉપરોક્ત દાવો મંજુર થયો હતો અને દબાણ કરનારને જગ્યા ખાલી કરી દેવા આદેશ
કરાયો હતો સાથો સાથ જામનગર મહાનગરપાલીકાને પણ સમગ્ર ગેરકાયદે બાંધકામ તોડી
પાડવાનો પણ આદેશ કરાયો હતો.
અદાલતના હુકમને અનુલક્ષીને આજે
જામનગર મહાનગરપાલીકાની દબાણ હટાવ શાખાના અધિકારી આર.જે.દીક્ષિત તથા સુનીલ
ભાનુશાળી વગેરે બુલડોઝર, જે.સી.બી., ટ્રેકટર વગેરે મશીનરીઓ સાથે બુધ્ધવાસ
વિસ્તારમાં પહોંચી ગયા હતા અને મામલો સેનસેટીવ હોવાથી પોલીસની મદદ લેવાઈ
હતી. સીટી બી ડિવિઝનના પી.આઈ. તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે બંદોબસ્તમાં
પહોંચી ગયો હતો અને પોલીસની હાજરીમાંજ ઉપરોક્ત દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઈ
આશરે 4000 ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
0 Comments
Post a Comment