જામનગર મોર્નિંગ - દ્વારકા૧૦/૧ : દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ચાર વ્યક્તિને ઇજા પહોંચતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે વિધિવત ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ દ્વારકામાં આવેલી એક ધર્મશાળા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહન ચાલકે આ માર્ગ પર પુના (મહારાષ્ટ્ર)ના રહીશ નામદેવકુમાર લક્ષ્મણકુમાર કુંભાર (ઉ.વ.66) તથા તેમની સાથે રહેલા સાહેદ નારાયણભાઈ પાંડુરંગ કુંભાર નામના બે રાહદારીઓને હડફેટે લેતા તેમને ગંભીર ઇઅજો સાથે હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. પોલીસે નામદેવકુમારની ફરિયાદ પરથી ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. 
જયારે ખંભાળીયા તાલુકાના વડાલીયા ગામે રહેતા રોમીનભાઈ લખમણભાઇ નડીયાપરા (ઉ.વ.30) તેમના જી.જે. 10 એ.એ. 8900 નંબરના મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા, ત્યારે જામનગર રોડ પરથી અત્રેથી આશરે સોળ કી.મી. દૂર કજુરડા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા એક અજાણ્યા કારના ચાલકે તેમને હડફેટે લેતા તેમને ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત સાહેદ અબુભાઈને પણ પગ અને માથાના ભાગે ઈજાઓ થતા આ બનાવ ગઈ રોમીનભાઈ નડીયાપરાએ અહીંની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાશી ગયાનું પણ પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.