કંપની દ્વારા ખાનગી જમીનો માંથી માઈનીંગ પરવાનગી વિના જ ખનીજ કાઢતા હોવાના પણ અગાઉ આક્ષેપ થઇ ચુક્યા છે !

તીરછી નજર - ભરત હુણ




જામનગર મોર્નિંગ - દ્વારકા : કાયદો માત્ર લાચાર અને મજબુર માણસને ડરાવવાનું સાધન બની રહ્યો હોય તેવા અનેક ફિલ્મચિત્રો આપણે જોઈ ચુક્યા છીએ. ત્યારે આ વાત હકીકતમાં પણ સાચી હોવાના અનેક પુરાવા આપણે જોઈએ છીએ. લોકશાહી દેશમાં દરેક નાગરિક, પેઢી કે કંપની સામે એક સમાન કાયદા હોવા છતાં અલગ-અલગ પદ્ધતિથી કાર્યવાહી થતી હોવાના પણ અનેક દાખલા સામે આવી ચુક્યા છે.
        જામનગર જીલ્લાના સિક્કા ગામે શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની પ્રાઈવેટ લીમીટેડના નામથી કાર્યરત સિમેન્ટ પ્લાન્ટને સિમેન્ટમાં વપરાતું લાઈમ સ્ટોન નામનું કાચું મટીરીયલ મેળવવા માટે જામનગર તેમજ દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાણકામ માટેની માઈનીંગ લીઝો આવેલ છે.
        જેમાં દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગામે હાલ દિગ્વિજય સિમેન્ટ કંપનીની માઈનીંગ લીઝ કાર્યરત છે. જે પાછતર ગામની લીઝ બરડા અભયારણ્યની તદન નજીક આવેલ છે. તેમજ આ લીઝની આજુ - બાજુમાં તાતા કેમિકલ સહિત અન્ય કંપનીઓની માઈનીંગ લીઝ પણ આવેલ છે. જે લીઝો હાલ બરડા અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારની નજીક આવતી હોવાથી બંધ હાલતમાં છે. ત્યારે દિગ્વિજય સિમેન્ટ કંપનીની માઈનીંગ લીઝ પણ બરડા અભયારણ્ય વિસ્તારથી તદન નજીક હોવા છતાં પણ ખનીજનું ખનન ચાલુ છે.
        ભાણવડના પાછતરમાં જુના રે.સર્વે નંબર. ૨૨૫માં આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપનીની લાઈમ સ્ટોન માઈનીંગ લીઝ વિસ્તાર બરડા અભયારણ્યના જંગલી પ્રાણીઓથી અસરગ્રસ્ત વિસ્તાર  છે. આ વિસ્તારમાં અભયારણ્યના અનેક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. તેમજ અહીના વિસ્તારમાં અવાર - નવાર જંગલી પ્રાણીઓની અવર - જવર રહેતી હોવા છતાં પણ આ વિસ્તારમાંથી દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા મોટા પ્રમાણમાં લાઈમ સ્ટોન ખનીજના જથ્થાનું બેફામ પણે ખનન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે.
તેમજ હાલમાં દિગ્વિજય સિમેન્ટ કંપનીની જૂની ખાણથી પ્રખ્યાત વિસ્તાર જે બરડા અભયારણ્ય દ્વારા પ્રતિબંધિત વિસ્તાર હેઠળ આવતો હોવાની પણ માહિતી મળી રહી છે. જે પ્રતિબંધિત વિસ્તાર માંથી પણ ૧૫૦ થી ૨૦૦ જેટલા ડમ્પરો દ્વારા દરરોજ ખનીજનો જથ્થો અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારથી બહાર અને કંપનીના જ વિસ્તારમાં સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જે ખનીજનો જથ્થો પણ ત્યારબાદ અન્ય ટ્રકો દ્વારા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સુધી પહોચાડવામાં આવશે.
        બરડા અભયારણ્યના ઇકો ઝોન વિસ્તારમાંથી થતા બેરોકટોક ખનનને રોકવા માટે ફોરેસ્ટ વિભાગ કે ખનીજ વિભાગ પ્રથમ કોણ આગળ આવશે તે જોવું રહ્યું !
        અગાઉ બરડા અભ્યારણની નજીકના વિસ્તારમાં આવેલ માઈનીંગ લીઝો માંથી નીલગાય સહિતના પ્રાણીઓના મૃત શરીર મળ્યા હોવાના પણ દાખલા બની ચુક્યા છે ત્યારે આ બાબતે વાઈલ્ડ લાઈફના રક્ષણ માટે કાળજી રાખતું તંત્ર ક્યારે આગળ આવે તે જોવું રહ્યું.