જામનગર મોર્નિંગ જામનગર. જામનગરમાં અખબારના તંત્રીને ડમ્પર માલીકે અખબારમાં ફોટા પ્રસિધ્ધ કરવાના મામલે અને સમાચારના પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તેઓએ પોલીસમાં રજુઆત કરી છે. અલીયાબાડા નજીક ખાણખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલ ડમ્પરના સબંધીતના મામલે અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ધમકી આપવા અંગે તેઓએ ડમ્પર માલીક સામે ગુન્હો નોંધવા અંગે માંગણી કરી છે.  
જામનગરમાં ગ્રેવીટી નામનું અખબાર ચલાવતા કપીલભાઈ જોઈશરને ખાણખનીજ વિભાગ દ્વારા ગત તા. 9 ના રોજ કર્મચારીઓએ એક ડમ્પર અલીયાબાડા નજીક અટકાવી રોયલ્ટી ભર્યા વગર જતું હોય જેની તલાશી લેતા આ ડમ્પર ઓવરલોડ પર ભરેલું હોય જે અંગે ડમ્પર ચાલકને અટકાવી ખાણખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરેલ આ વેળાએ ગ્રેવિટી અખબારના તંત્રી કપીલભાઈ જોઈશર વિગેરેને જાણ થતા તેઓ સમાચારના અનુસંધાને દોડી ગયા હતું ત્યારબાદ અખબારમાં આ બનાવ અંગેના અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા દરમ્યાન ગઈકાલે સાંજના સમયે ડમ્પરના માલિક દ્વારા કપીલભાઈ જોઈશરને ફોન ઉપર " અમારા ફોટા કેમ છાપ્યા છે ? જે કાંઈ દંડ ભરવાનો છે જે તમારે ભરવો પડશે"  એમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા કપીલભાઈ જોઈશર દ્વારા આ બનાવ અંગે પોલીસ વિભાગને જાણ કરી ડમ્પર માલીક સામે ફરિયાદ કરી ધોરણસર ગુન્હો દાખલ કરવા રજુઆત કરી છે.