કંદોઈ સુખડીયા વણિક જ્ઞાતિજનો મોટી સંખ્યામાં જોડાયા : ભારે ગમગીની 


જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં કિશાનચોક વિસ્તારમાં મોદીના ડેલા પાસે રહેતા અને ફરસાણનો વેપાર કરતા એક વેપારી તેમજ તેના પરિવારની પાંચ-પાંચ વ્યક્તિએ આર્થિક ભારણના કારણે ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી હતી જે પાંચેયના મૃતદેહને આજે જામનગરની કંદોઈ સુખડીયા વણિક જ્ઞાતિમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી એક જ પરિવારની એકી સાથે પાંચ-પાંચ અર્થીયો ઉઠતા અશ્રુઓનો દરિયો છલકાયો હતો.
જામનગર શહેર સહિત હાલારભરમાં સૌને હચમચાવી દેનારા અને ભારે અરેરાટી જગાવનારા આ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં કિશાનચોક નજીક મોદીનો વાડો વિસ્તારમાં શિવમ બંગ્લોઝમાં મોર ભુવન નામના મકાનમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા દિપક પન્નાલાલ સાકરીયા (ઉ.વ.42) એ પોતાની આર્થિક પરિસ્થિતિ ભારે વિકટ બની ગઈ હોવાથી આર્થિક ભીંસના કારણે પોતાની વૃધ્ધ માતા, પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો રાહ અપનાવી લીધો હતો એકી સાથે એક જ પરિવારની પાંચ-પાંચ વ્યક્તિઓના મૃત્યુના અહેવાલે સૌ નગરજનોને હચમચાવી દીધા હતા. 
આ બનાવ પછી પોલીસે પાંચેયના મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતકના બે બહેનો કે જેઓ કચ્છ તેમજ પાલનપુર વિસ્તારમાં રહે છે જેઓ આજે સવારે જામનગર આવી પહોંચ્યા પછી સવારે 10 વાગ્યે જ્ઞાતિજનોની વાડી પંચેશ્વર ટાવર ગોવાળ મસ્જીદ નજીક આવેલી કંદોઈ સુખડીયા વાણીયા પરિવાર જ્ઞાતિની વાડીમાંથી આજે પાંચેયની એકી સાથે આર્થિયો ઉઠી હતી જેનો અગ્નિસંસ્કારની જવાબદારી જ્ઞાતિજનોએ સંભાળી લીધી હતી. 
જેથી આજે સવારે 10 વાગ્યા પછી પાંચેયની કતારબંધ અંતિમયાત્રા નીકળી હતી ત્યારે સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી અને મૃતકના પરિવારજનો તેમજ અન્ય જ્ઞાતિજનો દ્વારા ભારે રૂદન કરવામાં આવ્યું હતું. કાળજું કંપાવે તેવી આ ઘટના પછી જયારે અંતિમયાત્રા બસની એકીસાથે કતારો જોવા મળી હતી ત્યારે ભલભલાના કાળજા કાંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા અનેક જામનગર વાસીઓ પણ આ સ્મશાન યાત્રા નિહાળીને સ્તબ્ધ થઇ ગયા હતા અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કંદોઈ વણિક જ્ઞાતિ દ્વારા આજે તમામે બંધ પાડ્યો હતો અને સ્મશાન યાત્રામાં સામેલ થઇ ગયા હતા અને જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં એક પછી એકની અંતિમ વિધિ કરી લેવામાં આવી હતી.