પોલીસે ત્રણ લુંટારૂઓ પૈકી એક લુટારૂ શખ્સને દબોચી લીધો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં જોગર્સપાર્ક વિસ્તારમાંથી પસાર થઇ રહેલા બાઈક ચાલક વેપારીને એક સપ્તાહ પહેલા આંતરી લઇ તેનું ત્રણ લુટારૂ શખ્સ દ્વારા અપહરણ કરાયું હતું અને મારમારી ત્રણ હજારની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવાઈ હતી જે લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે 1 લુટારૂ શખ્સની ધરપકડ કરી છે જયારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.   
મળતી વિગત મુજબ જામનગરના શરૃ સેકશન રોડ પર આવેલા અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા સુભાષભાઈ વ્રજલાલ માવાણી નામના ત્રેપન વર્ષના પ્રૌઢ ગઈ તા.૪ની રાત્રે પોણા અગિયારેક વાગ્યે ગ્રેઈન માર્કેટ સ્થિત પોતાની દુકાનેથી ઘર તરફ જવા માટે સ્કૂટર પર નીકળ્યા હતા. આ પ્રૌઢ જ્યારે વી-માર્ટવાળા રોડ પરથી પસાર થયા ત્યારે ત્યાંના સ્પીડબ્રેકર નજીક પાછળથી ત્રિપલ સવારીમાં એક નંબર પ્લેટ વગરનંુ હીરો મોટરસાયકલ ધસી આવ્યું હતું જેના ચાલકે પાછળથી સુભાષભાઈના સ્કૂટરને ટક્કર મારી બોલાચાલી કરી હતી. ત્યાર પછી અંદાજે વીસેક વર્ષની વયના અને કુલદીપ નામથી જેને બોલાવાતો હતો તે શખ્સ તેમજ પચ્ચીસેક વર્ષના વિક્કી અને ભૂરા નામના ત્રીજા શખ્સે સુભાષભાઈને છરી બતાવી તેઓનું અપહરણ કરી પંચવટી સોસાયટી પાસે આવેલા ગીતા મંદિર નજીક લઈ જઈ તેઓને મારકૂટ કરી રૃા.૯ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ અને રૃા.૩ હજાર રોકડા લૂંટી લીધા હતા તે પછી આ શખ્સો પલાયન થઈ ગયા હતા જેની ગઈકાલે સુભાષભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૪૧, ૩૪૨, ૩૬૫, ૩૯૨, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટની કલમ ૧૩પ (૧) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી. તપાસ દરમ્યાન સિટી-બીના ડી-સ્ટાફના ચંદ્રવિજયસિંહ ઝાલા, હરેન્દ્રસિંહ તથા હિતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલો એક શખ્સ શનિવારીના મેદાનમાં રખડતી રહ્યો છે તે બાતમીથી પીઆઈ વી.એસ. લાંબાને વાકેફ કરાયા પછી સ્ટાફના જોગીન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, કિશોર પરમાર, અમિત પરમાર, ભૂપત પાટડિયાને સાથે રાખી વોચ ગોઠવાતા ત્યાંથી મોમાઈનગરની શેરી નં.૩માં રહેતો વિક્કી સંજયભાઈ બરછા (ઉ.વ.ર૧) નામનો શખ્સ મોબાઈલ સાથે મળી આવ્યો હતો. આ શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા તેણે માટેલ ચોકમાં રહેતા પોતાના મિત્ર જીગર ભીખાલાલ ઉર્ફે ભૂરા તથા પુનિતનગરવાળા કુલદીપસિંહ સાથે મળી ગઈ તા.૪ની રાત્રે ઉપરોકત પ્રૌઢને માર મારી મોબાઈલ લૂંટયાની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી છે અને તેના બન્ને સાગરિતોની શોધ હાથ ધરી છે.