જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના ખાણખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટરને ત્રણ દિવસ પહેલા અલીયાબાડા નજીક રેતી ચોરી કરીને જઈ રહેલા એક ડમ્પર ચાલકને આંતરી લઇ ડમ્પરને સીઝ કરવાના ભાગ રૂપે પોલીસ મથકે લઇ જવાતા ડમ્પર ચાલકે ધાકધમકી આપી હતી જે અંગેની પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જે પ્રકરણના આરોપી પોલીસ પુત્રની ધરપકડ કરી લેવાઈ છે અને અદાલત સમક્ષ રજૂ કરી દેવાયો છે. 
મળતી વિગત મુજબ જામનગરના ખાણખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેકટર ચૌધરીને ત્રણ દિવસ પહેલા બપોરે જી.જે. 13 એ.ટી. 0998 ના માલીકે ધાકધમકી આપી હતી અને જેની 24 કલાક પછી બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના ભાગ રૂપે પંચ કોશી એ ડિવિઝન પોલીસે ડમ્પરના માલીકને જામનગરના પોલીસ પુત્ર યુવરાજસિંહ રવીન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી જેને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી અદાલતે તેને જામીન મુક્ત કરી દીધો છે. 
આ ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પણ એક ભાનુશાળી યુવાન દ્વારા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધવી હતી જે પ્રકરણમાં મોબાઈલ નંબર અપાયો હતો જે મોબાઈલ પોલીસ પુત્રનો જ હોવાનું જાણવા મળી રહ્યો છે તે મોવબાઈલમાંથી કોણે ફોન કર્યો છે અથવા કોના દ્વારા ધાક ધમકી અપાઈ છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે અને પોલીસે ધમકી ભર્યા ફોન કોલની રેકોર્ડીંગની ઓડીયો કલીપ કબ્જે કરી છે અને તેના આધારે આરોપીને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.