કલેકટરને આવેદન આપતો વણીક સમાજ

જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના કિશાનચોક નજીક મોદીનો વાડો વિસ્તારમાં રહેતા વણિક પરિવારના પાંચ વ્યક્તિના સામુહિક આત્મહત્યાના અતિ ચકચારજનક પ્રકરણમાં મૃતકના પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે જામનગર દશા શ્રીમાળી સુખડીયા જૈન વણિક સમાજ દ્વારા આજે એક વિશાળ મૌન રેલી રાખવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી કંદોઇ સુખડીયા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું, અને ઝડપી ન્યાયની માંગણી કરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં કંદોઈ વણિક પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગણી સાથે ગઈકાલે મૌન રેલી યોજાઈ હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને આ પરિવારને ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા કંદોઈ વણિક પરિવારના પાંચ સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લઈને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટનાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ સમગ્ર પ્રકરણમાં વ્યાજખોરોનો ત્રાસ છે કે કેમ? શા માટે આ પરિવારને સામૂહિક આત્મહત્યા કરવાની ફરજ પડી. આવા અનેક અન્ય પ્રશ્નોના જવાબો મેળવવાની માંગ સાથે ગઈકાલે બપોરે કંદોઈ સુખડીયા જ્ઞાતિ સમાજના લોકોએ મૌન રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પરિવારને ન્યાય મળે તેવા પોસ્ટરો સાથેની રેલીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતાં અને માંગણી દોહરાવી હતી કે જો આ પ્રકરણમાં કોઈ વ્યાજખોરનો ત્રાસ હોય તો તેને વહેલી તકે શોધી કાઢી કડક પગલાં લેવા જોઈએ, તેમ આવેદનપત્રના અંતમાં જણાવ્યું હતું.