ઊંચા દેવા બોજને પગલે ભારતના લાંબા ગાળાનું રેટિંગ પ્રભાવિત કરશે: ફિચ રેટિંગ્સ

જામનગર મોર્નિંગ - નવી દિલ્હી: 
ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણાં મંત્રી પીયુષ ગોયલ દ્વારા ઈન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે. એનડીએના પાંચ વર્ષના કાર્યકાળનું આ અંતિમ બજેટ છે ત્યારે રેટિંગ એજન્સી ફિચે એક ગંભીર બાબત પર ધ્યાન દોર્યું છે. ફિચના મતે સરકાર દ્વારા વચગાળાનું બજેટ લોકપ્રિય જાહેર કરવાના ચક્કરમાં દેશને ગંભીર આર્થિક ફટકો પડી શકે છે.
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સરકાર ગ્રામીણ વસતિ તેમજ નાના રોજગારોને રીઝવવા પ્રયાસ કરી શકે છે. સરકાર બજેટમાં વોટ માટે નાણાં કોથળી ઢીલી મૂકવાની જાહેરાત કરી શકે છે. જો આમ કરાશે તો તેના દુરોગામી પરિણામ ગંભીર નિવડી શકે છે. તાજેતરમાં બહાર આવેલા સર્વેમાં ભાજપનો વિજય અસ્પષ્ટ જણાઈ રહ્યો છે જેને પગલે સરકાર ફફડી ગઈ હોવાનું જણાય છે. 
કેન્દ્રીય નાણાં મંત્રી ગોયલ વચગાળાના બજેટમાં નાણાકીય સ્થિરતા જાળવવા માટેના પગલાં જાહેર કરી શકે છે. જો કે વધુ મત આકર્ષવા માટે જો બજેટમાં ઊંચા ખર્ચની જોગવાઈ કરવામાં આવશે તો દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે અને દેશને ફટકો પડશે તેમ ફિચે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
ભાજપનો તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભામાં ચૂંટણીમાં દેખાવ નબળો રહ્યો હતો. આ ઉપરાંત રોજગારી સર્જન સહિતના વાયદાઓમાં પણ સરકાર નિષ્ફળ પુરવાર થઈ હોવાનો પ્રજાને અહેસાસ થઈ રહ્યો છે. સરકાર પાસે ખર્ચ માટેના નાણાની તંગી છે તેવામાં વચગાળાનું બજેટ વધુ લોકપ્રિય આપવા જતા દેશ પર આર્થિક ભારણ વધી શકે છે તેમ ફિચે જણાવ્યું હતું. 
ફિચના મતે ચૂંટણી પૂર્વે વધુ પડતા ખર્ચને લીધે સરકાર સતત બીજા વર્ષે નાણાકીય ખાધનો લક્ષ્યાંક ચૂકી શકે છે. આ ઉપરાંત સરકાર માટે બાદમાં નાણાકીય ખાધ અને ઋણબોજ ઘટાડવા એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ભારતના સોવરિન રેટિંગ માટે લાંબા ગાળાનો ટ્રેન્ડ મહત્વનો ગણાશે તેમ ફિચે વધુમાં જણાવ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે દેશમાં લોકસભા ચૂંટણી બાદ નવી સરકાર ચૂંટાશે જે જુલાઈ આસપાસ 2020નું અંતિમ બજેટ રજૂ કરશે. કેન્દ્રની આવકમાં ઘટાડા પાછળ જીએસટીની ધારણા કરતા ઓછી આવક પણ જવાબદાર હોવાનું ફિચે ઉમેર્યું હતું. ફિચના અંદાજ મુજબ આગામી થોડા વર્ષોમાં સરકારનું ઋણ જીડીપીના 70 ટકા આસપાસ રહેવાની સંભાવના છે અને પરિણામે તે ભારતના સોવરીન રેટિંગ (BBB-/સ્ટેબલ)ને પ્રભાવિત કરી શકે છે.
સરકાર દ્વારા વચગાળાના બજેટમાં ટેક્સની રાહત આપવાની સંભાવના ઓછી જણાય છે કારણ કે તેનાથી સરકારી આવકને ફટકો પડવાની ભીતિ રહેલી છે.