જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકા 13 કિમી દૂર આવેલ બટીસાથી લાલપુર તરફ જતા રોડ પર વર્નાકાર રોઝડુ આડુ ઉતરતા પલ્ટી ખાઈ જતા બે મહિલાના મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવ અંગે કાર ચાલક સામે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ મીઠાપુર ખાતે રહેતો થોભણભા હોથીભા માણેક નામનો યુવાન જીજે 3 ઈસી 1734 નંબરની કાર ચલાવી અત્રે બટીસાથી લાલપુર વચ્ચે રોડ પરથી જતો હોય દરમિયાન વાછરાડાડાના મંદિર પાસે રસ્તામાં એકાએક રોઝડુ આડુ ઉતરતા સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં બેસેલ રાધુબેન ધાધભા જામ (ઉ.વ.22) તથા ધીબાઈ કેશુભા માણેક (ઉ.વ.42) નામના બંને મહિલાના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. 
આ બનવા અંગે કારચાલક થોભણભા હોથીભા માણેક સામે મૃતક રાધુબેનના પતિ ધાધભા ખેંગારભા માણેકએ દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ પી.એલ.ચૌધરીએ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.