ચારથી વધુ લોકો ઘાયલ : બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી : મહિલા સહિત 10 શખ્સ સામે ગુનો નોંધાયો : પાડોશી પરિવાર વચ્ચે ડખ્ખો 
જામનગર મોર્નિંગ - દ્વારકા. કલ્યાણપુરના ગાંધવી ગામે બે બાવાજી પરિવારના પાડોશીઓ વચ્ચે અગાઉ મોબાઈલ ફોનના નંબર માંગવાના પ્રશ્ને ધીંગાણુ થયું હતું જેમાં બંને પરિવાર એકબીજા પર તુટી પડતા ચારથી વધુને ઇજા થવા પામી હતી આ અંગે બંને પરિવારની સામસામે ફરિયાદ નોંધી સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ કલ્યાણપુરના ગાંધવી ગામે વસંતગર દયાગર મેઘનાથી (ઉ.વ.52)ના દીકરા પાસે પ્રવીણગર ઉકાગર મેઘનાથીની દીકરી ક્રિષ્નાબેન કોઈના મોબાઇલ નંબર માંગવા તેઓના ઘરે ગયેલ આજથી બે મહિના પહેલાનો આ ખાર રાખી મંગળવારે વસંતગરનો દીકરો તથા તેનો ભત્રીજો દેવળીયા ગામે ગયેલા ત્યાં બોલાચાલી કરી બાદ વસંતગરના ઘરે જઈ પ્રવીણગર ઉકાગર મેઘનાથી, ધવલગીરી પ્રવીણગર, પારસગર પ્રવીણગર, મગનગર બાવાજી, વર્ષાબેન પ્રવીણગર, ક્રિષ્નાબેન પ્રવીણગર મેઘનાથી પરિવારે ગેરકાયદે મંડળી રચી એકસંપ કરી હાથમાં ઘાતક હથીયારો ધારણ કરી વસંતગર ઉપર હુમલો કરી તેઓને માથામાં તથા તેઓના પરિવારના અન્ય વ્યક્તિઓને લાકડીથી મારકૂટ કરી કુશાલગરને પકડી રાખી શરીરે મુંઢમાર મારી ગાળો કાઢી નાસી જતા 6 શખ્સ સામે વસંતગર મેઘનાથીએ ફરિયાદ નોંધાવી છે. 
જયારે સામાપક્ષે મંગળગર ખીમગર ગૌસ્વામી (ઉ.વ.44)એ વસંતગીરી, કારૂગીરી, ખુશાલગર વસંતગીરી, કાનાગીરી પ્રવીણગીરી નામના 4 શખ્સ સામે વળતી ફરીયાદ કરી હતી જેમાં જણાવેલ કે તેના ફઇના દીકરા પ્રવીણગીરીની દીકરીની મશ્કરી બાબતે અગાઉ પોલીસ ફરિયાદ કરેલ જેનો ખાર રાખી ચારેય શખ્સો ગાળો કાઢી મંગળગર ગૌસ્વામીને લોખંડનો માથામાં પાઇપ ફટકારી તથા સાહેદ પારસગીરીને લાકડાનો ધોકો તથા ઢીકાપાટુ વડે ફટકારી મુંઢ મારફૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 
કલ્યાણપુર પોલીસે બંને પક્ષની સામસામે આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ પીએસઆઇ એસ.એન. કરંગીયાએ હાથ ધરી છે.