જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે સોમવારે રાત્રે વધુ એક દુકાનને નિશાન બનાવી લઇ અંદરથી રૂ. 10 હજારની રોકડ રકમનની ચોરી કરી લઇ ગયાની ઘટના સામે આવતા દોડધામ મચી છે. આ બનાવ અંગે પોલીસને જાણકારી આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં તાજેતરમાં એક દુકાનમાંથી રોકડ રકમની ઉઠાંતરી થઇ હતી જે તસ્કરોને પોલીસે પકડી પાડ્યા પછી તેઓ દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં જ અન્ય બે દુકાનોને નિશાન બનાવી લીધી હોવાનું જાહેર થયું હતું આ ઉપરાંત કાલાવડના ગ્રામ્ય પંથકમાં પણ નાની મોટી ચોરીઓ થવાના અહેવાલ મળ્યા હતા જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઇ ન હતી પરંતુ તસ્કરોની રંજાડ યથાવત જ રહી છે, અને કાલાવડમાં વધુ એક દુકાનને નિશાન બનાવી લીધી છે. કાલાવડની મેઈન બજારમાં આવેલી પતિરા મહેન્દ્ર કુમાર એન્ડ બ્રધર્સ નામની કરિયાણાની દુકાનમાં સોમવારે રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ નકુચા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને દુકાનમાંથી રૂ. 10 હજારની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા. આ બનાવની જાણ થવાથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.