જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચેલા રાજકોટના એક વેપારીને આવકવેરા વિભાગના અધિકારીઓએ પોલીસની મદદથી ૧ કિલો સોનાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.  મુંબઈથી એક યુવાન વિમાન માર્ગે જામનગર આવવા માટે રવાના થયો હતો. દરમ્યાન આવક વેરા વિભાગને મળેલી સૂચના મુજબ સ્થાનિક પોલીસની મદદથી આવકવેરા વિભાગના અધિકારીઓએ આ પ્રવાસીને ઝડપી લઈ તેની તપાસી લેતા તેમાં કબ્જામાંથી ૧ કિલો સોનાનો જથ્થો તેમજ સિક્કાઓ મળી આવતા આશરે ૩૩ લાખની કિંમતનો જથ્થો મળી આવતા તે કબ્જે લઈ આ યુવાનની અટકાયત કરી આકરી પૂછપરછ શરૃ કરવામાં આવી હતી. શુક્રવારે  રાત્રે મોડે સુધી આવકવેરા વિભાગના અધિકારીઓ સહિતની ટુકડી દ્વારા તેની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ કરીને સોનાનો આ જથ્થો ક્યાંથી આવ્યો તેના ખરીદીના કાગળો છે કે કેમ? શું આ પ્રકરણમાં માલ વિદેશથી આવ્યો હતો વગેરે સવાલોના જવાબ મેળવવા કવાયત ચાલી રહી છે. જો કે હજુ સુધી આવક વેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.