જામનગર મોર્નીગ - જામનગર. જામનગર-ખંભાળીયા હાઇવે રોડ પર લાખાબાવડના પાટીયા નજીક આવેલી સેવન સીઝન રિસોર્ટ નામની હોટલમાં પી.જી.વી.સી.એલ.નું વીજ ચુકવણીનું લાંબુ દેણું ચડી ગયું હતું અને રૂ. 17 લાખના ત્રણ ચેકો પરત ફરતા વીજ કંપની દ્વારા હોટલનું વીજ જોડાણ કટ કરવામાં આવ્યું છે. જોકે અન્ય એક વીજ જોડાણ ચાલુ રખાયુ છે. હોટલ સંચાલકો દ્વારા આગામી 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ 30 લાખના દેણા ચુકવવાની ખાત્રી અપાઈ છે.
જામનગર - ખંભાળીયા હાઇવે રોડ લાખાબાવળ નજીક આવેલી સેવન સીઝન રિસોર્ટમાં વીજ કંપની દ્વારા જુદા-જુદા બે વીજ કનેક્શનો અપાયા છે, જેના વીજ જોડાણના ગત એપ્રિલ માસથી ડિસેમ્બર સુધીના આગળ પાછળના 30 લાખ જેટલા નાણાં ચૂકવવાના બાકી છે પી.જી.વી.સી.એલ. દ્વારા તેઓ પાસેથી 17 લાખના ત્રણ ચેકો મેળવાયા હતા, ઉપરાંત 10 જાન્યુઆરીનો બાર લાખનો વધુ એક ચેક મેળવાયો હતો જે પૈકીના 17 લાખના પ્રથમ ચેક બેન્ક ખાતામાં જમા કરાવતા નાણાંના અભાવે ત્રણેય ચેકો પાછા ફર્યા હતા. 
આથી વીજ કંપની દ્વારા આકરૂ પગલું ભરવાના ભાગ રૂપે સેવન સીઝન રિસોર્ટનો બંગલા તથા અન્ય રૂમો વગેરેનું વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યું હતું જયારે હોટલનું અને સ્ટાફ રૂમનું વીજ જોડાણ હાલમાં ચાલુ રખાયું છે, 10મી જાન્યુઆરી સુધીનો બાર લાખનો અન્ય એક ચેક પણ અપાયો હતો, જો તે ચેક પાસ નહીં થાય તો બીજી વીજ જોડાણ પણ કટ કરી નાખવાની પી.જી.વી.સી.એલ.ની નોટિસ આપવામાં આવી હતી પરમદી મોડી સાંજે હોટલ સંચાલકો દ્વારા દોડાદોડી કરવામાં આવી હતી અને સાત લાખ રૂપિયા જમા કરી દેવાયા છે ઉપરાંત સપ્તાહ દરમ્યાન બીજા દસ લાખ રૂપિયા જમા કરવાની બાંહેધરી અપાઈ છે જયારે 14 જાન્યુઆરી પહેલા બીજા ચાર લાખ જમા કરવાનું વચન અપાયું છે અને તમામ ચેકો આપી દેવાયા છે, સાથો સાથ 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ ત્રીસ લાખ રૂપિયાનું બાકી દેણું ચૂકવી દેવાનું લેખિત બાંહેધરી લઇ લેવામાં આવી છે અને તે પ્રમાણેના ચેક પણ મેળવી લેવાયા છે. પી.જી.વી.સી.એલ. ના વીજ જોડાણ કટ કરાવના આ પગલાંથી હોટલ સંચાલકોમાં ભારે દોડાદોડી થઇ ગઈ હતી.