જામનગર મોર્નિંગ - દ્વારકા 
કલ્યાણપુરના હનુમાનગઢના એક મહિલાને ફોન કરી પરેશાન કરાતા તેણીએ આત્મહત્યા કરી લીધી હતી તે ગુન્હામાં સંડોવાયેલા શખ્સને દ્વારકા એસઓજીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હનુમાનગઢ ગામના એક મહિલાને અવારનવાર મોબાઈલ પર કોલ તથા મેસેજ કરી કલ્યાણપુર તાલુકાના ભાટિયાનો રાજશી ખીમા કરમુર નામનો શખ્સ પરેશાન કરતો હોય તે ત્રાસથી કંટાળી ગયેલા મહિલાએ વર્ષ ૨૦૧૫માં જંતુનાશક દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આઈપીસી ૩૦૬, ૩૫૪ (ડી), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. 
આ આરોપી સાડા ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો તે શખ્સ ખંભાળિયામાં આરટીઓ કચેરીએ ઝળક્યો હોવાની બાતમી પેટ્રોલિંગમાં રહેલા દેવભૂમિ દ્વારકા એસઓજીના હે.કો. ઈરફાન ખીરાને મળતા ઈન્ચાર્જ પીઆઈ ડી.બી. ગોહિલના વડપણ હેઠળ ધસી ગયેલા એસઓજીના કાફલાએ આ શખ્સની આરટીઓ કચેરી પાસેથી સીઆરપીસી ૪૧ (૧) (આઈ) હેઠળ અટકાયત કરી તેનો કબજો કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.