એસ.ટી. કર્મચારીઓની હડતાલ સમેટાઈ
જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાત રાજ્યભરના તમામ એસ.ટી. કર્મચારીઓ દ્વારા પોતાની ૧૩ જેટલી માંગણીને લઇને ચલાવવામાં આવેલી હડતાલ આખરે ગઇકાલે મોડી રાત્રે સમેટી લેવામાં આવી છે, જામનગર જિલ્લાના ૧૩૦૦ થી પણ વધારે એસ.ટી. કર્મચારીઓએ ગઇરાત્રે એસ.ટી. ડિવિઝનમાં આતશબાજી કરી પોતાની જીતની ઉજવણી કરી હતી, અને રાત્રિના ૧૨-૩૦ વાગ્યાથી બસના રુટ શરુ કરી દેવાયા હતા, બે દિવસ દરમ્યાન જામનગર જિલ્લાના એસ.ટી. વિભાગને ૬૦ લાખ રુપિયા આસપાસનું નુકશાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લા એસ.ટી. વિભાગના ૧૩૦૦ થી વધુ કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિતની જુદી જુદી ૧૩ જેટલી માંગણીઓ સાથે હડતાલ ઉપર ઉતરી ગયા હતા, જે હડતાલ ગઇ રાત્રે સમેટી લેવામાં આવી હતી, ગુજરાત સરકાર દ્વારા ૧૩ માંથી ૧૦ જેટલી માંગણીઓને સ્વીકારી લઇ તા. ૨૮ મી ફેબ્રુઆરી સુધીમાં તમામ માંગણીઓનો અમલ કરી લેવામાં આવશે તેવી લેખીત ખાત્રી પછી હડતાલને પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.જામનગરના એસ.ટી. કર્મચારીઓ ગઇરાત્રે ૧૨ વાગ્યે એસ.ટી. ડીવીઝનમાં એકત્ર થઇ ગયા હતા અને પોતાની લડતને વધાવવા માટે આતશબાજી કરવામાં આવી હતી, એસ.ટી. કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને જામનગરના એસ.ટી. ડેપો ઉપરથી ઉપડતી જામનગર-મહેસાણા રુટની એસ.ટી. બસને તમામ એસ.ટી. કર્મચારીઓની હાજરીમાં રવાના કરી દેવામાં આવી હતી, અને મુસાફરો પણ મળી ગયા હતા અને પ્રથમ રુટ ચાલી કરી દીધા પછી અન્ય રુટ શરુ કરી દેવાયા છે, જામનગર જિલ્લાની ૨૮૪ એસ.ટી. બસો ફરીથી રાબેતા મુજબ દોડતી થઇ ગઇ છે.જે વિદ્યાર્થીઓને બે દિવસ માટે હાલાકી વેઠવી પડી છે તે પાસ ધારકોને બે દિવસનો વધારો કરી દેવામાં આવશે, જામનગર જિલ્લાના એસ.ટી. ડિવિઝનના હડતાલ દરમ્યાન અંદાજે રૃા. ૬૦ લાખનું નુકશાન થયું છે, અલબત્ત ૬૦ લાખ જેવી એસ.ટી. એ ભાડાની આવક ગુમાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.