ગીરદીનો લાભ લઇ તસ્કરો રોકડ ભરેલા બે પાકિટ સેરવી ગયા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના એસટી ડેપો ઉપર બે તસ્કરોએ કલા કરીને બે મુસાફરોના ખિસ્સામાથી રૂ. 19500ની રોકડ સહિતના બે પાકિટની તફડંચી થઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે બસમાં ચડતી વખતે ગીરદીનો લાભ લઇ આ કારસ્તાન હાથ ધરાયુ હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. 
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીના વતની ભરતભાઈ નાથાભાઈ રાઠોડ (ઉ.વ.42) પોતાના મિત્ર નવઘણભાઇ સાથે જામનગર આવ્યા હતા અને પોતાનું કામ પૂર્ણ કરી સોમવારે બપોરે સવાત્રણેક વાગ્યાના અરસામાં એસ ટી બસ થી મીઠાપુર તરફ જઈ રહેલી એસટી બસમાં ચડવા જઈ રહ્યા હતા. 
જે દરમ્યાન કોઈ ગઠિયાઓએ ગીરદીનો લાભ લઇ બંનેના ખિસ્સામાંથી રોકડ રકમ ભરેલા પર્સ સેરવી લઇ રફુચક્કર થઇ ગયા હતા બસમાં પડ્યા પછી બંનેને માલુમ પડતા પોતાના ખિસ્સા હળવા થઇ ગયાની અને રૂ. 19500ની રોકડ રકમ ઉપરાંત એટીએમ કાર્ડ તથા અન્ય જરૂરી કાગળો સાથેના પાકિટની તસ્કરો ઉઠાંતરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું જેથી ભરતભાઈ રાઠોડે તુરંત જ સીટી એ ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સી સી ટીવી કેમેરાની મદદથી તસ્કરોને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી છે.