ભારત-ચીન સરહદને લઈને ચીનનું વલણ સ્પષ્ટ છે, ભારતીય નેતાઓએ અરૂણાચલની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ: ચીન વિદેશ મંત્રાલય પ્રવક્તા
જામનગર મોર્નિંગ - બેઈજિંગ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને ત્યાં 4,000 કરોડના ખર્ચે આકાર લેનાર વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીની અરૂણાચલ મુલાકાતથી પાડોશી દેશ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને મોદીની આ મુલાકાતનો સખત વિરોધ નોંધવ્યો હતો અને જણાવ્યું કે, ભારતનું નેતૃત્વએ ક્યારેય સરહદી રાજ્યને ગંભીરતાથી નથી લીધું અને હવે સરહદી ગૂંચવાડો સર્જાય તેવા પગલાંથી ભારતે દૂર રહેવું જોઈએ.
નોંધનીય છે કે પીએમ મોદીએ પૂર્વોત્તર રાજ્ય અરૂણાચલની શનિવારે મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્યમાં માર્ગ, હાઈવે, રેલવે અને હવાઈ સેવા ઉપરાંત વીજ જોડાણ મામલે ધ્યાન આપી રહી છે જ્યારે અગાઉની સરકારોએ પૂર્વોત્તર પ્રદેશની અવગણના કરી હતી.               
દિલ્હીમાં વિદેશ મંત્રાલયે ચીનની આ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, ‘અરૂણાચલ ભારતનું અભિન્ન અંગ છે. ભારતના નેતાઓ અન્ય રાજ્યોની જેમ સમયાંતરે અરૂણાચલની મુલાકાત લે છે. આ સ્થિતિ અંગે ચીનને અવારનવાર વાકેફ કરાયું છે.’
અરૂણાચલમાં મોદીની મુલાકાતને લઈને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું કે, ‘ચીન-ભારત સરહદને લઈને ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. ચીન સરકારને ક્યારેય કહેવાતા અરૂણાચલ પ્રદેશની જાણ નથી અને ભારતીય રાજનેતાઓએ ચીન-ભારત સરહદે આવેલા પૂર્વિય ભાગમાં મુલાકાત લેવાનું ટાળવું જોઈએ. ચીન ભારતને બન્ને રાષ્ટ્રોના હિતનું ધ્યાન રાખવા અનુરોધ કરે છે તેમજ ચીનની ચિંતાને માન આપે તેમ ઈચ્છે છે. દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો આવકાર્યા છે પરંતુ સરહદી વિવાદને ટાળવો જોઈએ.’

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન મંત્રાલયની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હતું. ચીન પૂર્વોત્તર ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશને તિબેટનો દક્ષિણ ભાગ ગણે છે. ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા ઉત્યાર સુધીમાં 21 બેઠકો યોજાઈ છે. ભારત અને ચીન વચ્ચે 3,488 કિ.મી લાંબી એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ આવેલી છે જે વિવાદિત છે. ચીન પોતાની ટેવ મુજબ ભારતીય નેતાઓની અરૂણાચલ મુલાકાતનો વિરોધ નોંધાવી પોતાનો હાથ ઉપર રાખવા ચંચૂપાત કરતું રહે છે.