ગેરકાયદે રાખેલ પિસ્તોલની સફાઈ કરતી વખતે બનેલો બનાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં દેશી પિસ્તોલની સાફ સફાઈ કરતી વેળાએ એકાએક ગોળી છુટતા શખ્સને નાની-મોટી ઈજાઓ પહોંચી હોય આ બનાવમાં યુવાન સહિત બે શખ્સ સામે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખવા સબબ સીટી બી પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી આરંભી હતી. 
મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામ (ઘેડ) વિસ્તારમાં આવેલ સિધ્ધેશ્વર સોસાયટી શેરી નં.1 ખાતે રહેતા રાજુ ધીરજલાલ જેઠવા નામના 32 વર્ષના કેબલનો વ્યવસાય કરતા યુવાનને હથિયાર સાફ કરતી વખતે અચાનક ફાયરીંગ થતા પોતાના હાથે ગોળી લાગતા તેને નાની-મોટી ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત યુવાન રાજુ અને ફિરોજ ઉર્ફે ભાઈજી હબીબભાઇ ખેરાણી બંને મિત્ર થતા હોય આજથી પાંચેક વર્ષ પહેલા એક દેશી હથિયાર પિસ્તોલ તથા કાર્ટીસ રાજુને તેણે સાચવા આપેલ હોય દરમિયાન આ હથિયાર સાફ કરતી વખતે બનાવ બનવા પામ્યો હતો. બીજી તરફ આ હથિયાર પોતાના પાસે ગેરકાયદેસર રીતે રાખેલ હોય ત્યારે સીટી બી પોલીસે રાજુ ધીરજલાલ જેઠવા અને ફિરોજ ઉર્ફે ભાઈજી હબીબભાઇ ખેરાણી સામે હથિયાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.