ડુપ્લિકેટ એટીએમ કાર્ડ સહિત  રૂા. 7.38 લાખનો મુદ્દામાલ કબ્જેઃ રીમાન્ડ પર લેવા તજવીજ

જામનગરમાં જુદા જુદા સ્થળે કેશલેસ પેમેન્ટ કરવા માટે એટીએમ કમ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા આસામીના કાર્ડનો ડેટા ચોરી નકલી એટીએમ કાર્ડ બનાવીને જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી સમયાંતરે રૂ.5.50 લાખની રકમ ઉપાડીને ઠગાઇ આચર્યાની ત્રણ ફરીયાદના આધારે ધ્રોલ પોલીસ અને સાયબર સેલની સંયુકત ટીમે ચીટર ટોળકીના પાંચ શખ્સોને પકડી પાડીને સધન પુછપરછ સાથે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.પોલીસે 19 એટીએમ કાર્ડ ઉપરાંત ઇલેક્ટ્રોનિકસ ડીવાઇસ, કાર સહીત રૂ.7.38 લાખની મતા કબજે કરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં દિગ્વિજય પ્લોટ -22માં રહેતા અમીબેન અશ્વીનભાઇ કનખરાએ પોતાના ખાતામાંથી 28 જાન્યુ.ના રોજ એટીએમ કાર્ડનુ ડુપ્લિકેશન કરી ખોટુ ઇલેકટ્રોનિકસ રેકર્ડ બનાવીને અજાણ્યા શખ્સે રૂ. 20,000ની રકમ ઉપાડીને ઠગાઇ કર્યાની ફરીયાદ નોંધાવી છે.આ મોડસ ઓપરેન્ડીથી શિવમ એસ્ટેટ ખાતે રહેતા પ્રવીણચંદ્ર રણછોડભાઇ મહેતાએ પોતાના બેન્ક ખાતામાંથી રૂ.60,000 ઉપરાંત હેમતભાઇ સુરેશભાઇ જોશીના ખાતામાંથી રૂ.45,000 અને પ્રવીણચંદ્ર નારાયણભાઇ પ્રજાપતિના ખાતામાંથી રૂ.16,500ની રકમ મળી ત્રણેય ખાતામાંથી રૂ.1.21 લાખ ઉપાડી લીધાની ફરીયાદ સીટી બી પોલીસમાં નોંધાઇ હતી.જયારે એરફોર્સ-1માં રહેતા અજયપાલસિંગ સુરજીતસિંગ વાણીયાએ પોતાના ખાતામાંથી રૂ.1.20 લાખ અને અન્યના ખાતામાંથી રૂ.2.90 લાખ મળી રૂ.4.10 લાખની રકમ ઉપાડી ઠગાઇની ફરીયાદ કરાઇ હતી. 
જે દરમ્યાન ધ્રોલ પોલીસ અને સાયબર સેલની સંયુકત ટીમે બાતમી અને ટેકનીકલ સોર્સની હકિકતના આધારે કેયુર ઉર્ફે કિશન હરીશભાઇ હાડા,મોહિત જગદિશભાઇ પરમાર,શબીર જુમાભાઇ નાઇ અને નિકુંજ ધનસુખભાઇ કનખરાને દબોચી લીધા હતા જેની કારની તલાશી લેતા અંદરથી ઇલેકટ્રોનીકસ ડીવાઇસ,રીડર મેગ્નેટીક કાર્ડ રાઇટર,19 નંગ એટીએમ કાર્ડ,ટેબલેટ,સાત મોબાઇલ અને રૂ.1 લાખની રોકડ સહીતની માલમતા મળી આવી હતી જેની પોલીસે પુછપરછ હાથ ધરતા આ ચીટર ટોળકીએ જામનગરના જુદા જુદા નાગરીકોના એટીએમ કાર્ડનો ડેટા ચોરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી જુદા જુદા એટીએમ સેન્ટરમાંથી રોકડ ઉપાડી હોવાની કબુલાત આપી હતી.