આજે સવારે મંદિરે પાલખી યાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌરાષ્ટ્ર ભરના સાધુ સંતો અને અનુયાઅીઓ હાજર રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા : શહેરના ઉધોગપતિઓ તથા પદાધિકારીઓએ પણ હાજરી આપી 
જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં બેડી ગેટ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રાધારમણ સ્વામીનો ગઈકાલે સાંજે 75 વર્ષની જૈફ વયે બીમારીને કારણે દેહવિલય થયો હતો જે અહેવાલ મળતાજ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનોમાં ઘેર શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 
જેઓના અંતિમ દર્શન માટે ગઈકાલે મોડી રાત્રી સુધી તેમજ આજે વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અનુયાઅીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે પુષ્પાંજલી અર્પિત કરી હતી ત્યાર પછી આજે સવારે તેમની પાલખી યાત્રા નીકળી હતી જેમાં જામનગરના પ્રથમ નાગરિક હસમુખભાઈ જેઠવા, સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિતના લોહાણા જ્ઞાતિના અગ્રણી જીતુભાઇ લાલ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, મહાદેવ હર મિત્ર મંડળ, શિવસેના સહિત જુદા જુદા સંગઠનોના અગ્રણીઓ તથા શહેરના રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, વેપારીઓ, બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાઅીઓ પણ જોડાયા હતા. આજે સવારે આદર્શ સ્મશાનમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી સંતો - મહંતોની ઉપસ્થિતિમાં પાર્થના સભા પણ રાખવામાં આવી હતી. જેમાં દિવંગત સ્વામીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.