કુલ 34,488 છાત્રો નોંધાયા : ધોરણ 10માં 65 બિલ્ડીંગોમાં 22326 વિધાર્થીઓ પરીક્ષા આપશે : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9905 અને વિજ્ઞાન પ્રવાહ 2257 વિધાર્થીઓ પરીક્ષા આપશે 
જામનગર મોર્નિંગ - જામનગર 
ગુજરાત રાજ્યમાં આગામી 7મી માર્ચે શૈક્ષણિક કારકિર્દી માટેની મહત્વની ગણાતી ધો. 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા પણ પરીક્ષાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તમામ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ધોરણ 10માં નવ કેન્દ્રની 65 બિલ્ડીંગના 707 બ્લોકમાં 22326 વિધાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રની 29 બિલ્ડીંગમાં 315 બ્લોકમાં 9905 અને વિજ્ઞાન પ્રવાહ 2257 વિધાર્થીઓ પરીક્ષા આપશે,  જામનગર જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સી.સી.ટી.વી. કેમેરા સજ્જ કરી દેવાયા છે. બોર્ડની પરીક્ષા માટેનો હેલ્પ લાઈન નંબર અને કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના સિક્કા અને લાલપુરના કેન્દ્રોને સંવેદન સીલ જાહેર કરવામાં આવ્યા છે. 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 7મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જામનગર જિલ્લામાં કુલ 17 કેન્દ્રોના 105 પરીક્ષા સ્થળ ખાતે 1131 બ્લોકમાં પરીક્ષા લેવાશે અને એચ.એસ.સી. અને એસ.એસ.સી.ના કુલ 34,488 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10માં નવ કેન્દ્રોમાં 65 પરીક્ષા સ્થળો ખાતે 707 બ્લોકમાં 22326 છાત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 6 પરીક્ષા કેન્દ્રોના 29 સ્થળોએ 315 બ્લોકમાં 9905 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 પરીક્ષા કેન્દ્રના 11 સ્થળે 109 બ્લોકમાં 2257 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે. 
ધોરણ 10ની પરીક્ષામાં સિક્કા અને લાલપુરના પરીક્ષા કેન્દ્રોને સંવેદનસીલ કેન્દ્રો તરીકે આંકવામાં આવ્યા છે, જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાને લઈને કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ હેલ્પ લાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાનો હાવ રાખ્યા વિના શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, 7મી માર્ચના દિવસે પ્રથમ પેપર ગુજરાતી ભાષા, ત્યાર પછી વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા પેપરો લેવાશે અને સવારે તેમજ બપોરે એમ જુદા જુદા બે વિભાગોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.