ભારત વધુ ઉશ્કેરણી ના કરે તે શરતે ભારતીય પાયલટને પરત કરવા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તૈયારી દર્શાવી : ભારતે કહ્યું- અમે કોન્સ્યુલર એક્સેસ માંગ્યુ નથી, પાક. આતંકવાદ વિરુદ્ધ પગલાં લે પછી જ વાત શક્ય
જામનગર મોર્નિંગ નવી દિલ્હી:
પુલવામા હુમલાને પગલે ભારતે કરેલી જવાબી કાર્યવાહીથી ડઘાઈ ગયેલા પાકિસ્તાને હવે શાંતિમંત્રણાની સુફિયાણી વાતો શરૂ કરી છે. બુધવારે ભારત દ્વારા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા બાદ ભારતના એક મિગ-21 વિમાન નષ્ટ થયું હતું અને એલઓસી પાસેથી પાકે. ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને ઝડપી લીધો હતો. પાકે. દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ઓફિસર તેમના કબજામાં છે બાદમાં ભારતે આ વાતની પુષ્ટી કરી હતી.
ભારતની સૈન્ય શક્તિ સામે પાકે. ઘૂંટણીયા ટેકવી દેતા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વાયુસેનાના અધિકારીને પરત કરવા તૈયાર છે પરંતુ તે ઈચ્છ છે કે ભારત દ્વારા હવે કોઈ ઉશ્કેરણી ના કરવામાં આવે. પુલવામા હુમલા અંગેના ભારતના ડોઝિયરની પાક. સમીક્ષા કરશે. આના વળતા જવાબમાં ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ વિંગ કમાન્ડર માટે કોન્સ્યુલર એક્સેસ નથી માંગ્યું અને પાક. સાથે મંત્રણાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પાકિસ્તાન વહેલી તકે વાયુસેનાના અધિકારી ભારતને સોંપે. ભારત પાક.ની કોઈપણ શરત સ્વીકારવા તૈયાર નથી. સરકારી સૂત્રોના મતે આજે સાંજે ભારતીય સેનાની ત્રણેય પાંખના વડાઓ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે. દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભારત-પાક. સ્થિતિ મામલે ટેલિફોનિક વાતચીત માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોના મતે ભારતે પાક.ની એકપણ શરત સ્વીકારી નથી અને તેમણે વાયુસેનાના અધિકારીને તાત્કાલિક સોંપવાની અડગ માગ કરી છે. 
નોંધનીય છે કે 26 ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં બાલાકોટ ખાતે જૈશના કેમ્પ પર એરસ્ટ્રાઈક કરીને તેને નેસ્તાનાબૂદ કરી દીધો હતો. ત્યારબાદ બુધવારે પાકિસ્તાન એરફોર્સે એલઓસી નજીક ભારતીય લશ્કરી છાવણીને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાના જેટને ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક પરત ખદેડ્યા હતા અને વળતા હુમલામાં પાક.નું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. દરમિયાન આ હવાઈ ગતિવિધિમાં ભારતનું એક મિગ-21 વિમાન પણ નષ્ટ થયું હતું અને પાઈલટ એલઓસીને પેલે પારથી મળતા પાકે. ધરપકડ કરી હતી. વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના સ્થાનિકોના આક્રોશનો નીડરતાથી સામનો કર્યો હતો અને આર્મીની તાલીમ મુજબ હથિયાર વગરના નાગરિકો પર કોઈજ પ્રકારનો હુમલો કર્યો નહતો. બાદમાં એક વીડિયોમાં વિંગ કમાંડર અભિનંદર સ્વસ્થ અને બહાદુરીથી જવાબ આપતા જણાયા હતા. પાક.ના કબજામાં રહેલા વાયુસેનાના અધિકારીને તાત્કાલિક પરત કરવા ભારતે માંગ કરી છે.