સાત શખ્સ વિરુધ્ધ નોંધાવાતી ફરિયાદ : જામનગરમાં ભાઈ-બહેનને લાકડાના ધોકાથી ફટકારતા ચાર શખ્સ સામે રાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જીવાપર ગામે ઈંટો બનાવવાનો વ્યવસાય કરતા યુવાન સહિત પરિવારના પાંચ સભ્યો પર અન્ય સાત શખ્સે ભેગા મળી હુમલો અને ઢીકાપાટુ વડે મારકૂટ કરતા પાંચેયને નાની-મોટી ઇજા પહોંચતા આ બનાવમાં સિક્કા પોલીસે સાત શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો તેમજ જામનગરમાં યુવાન અને તેના બહેન પર તેની ભત્રીજીનું છુટુ કરવા બાબતે બોલાચાલી કરી ચાર શખ્સે હુમલો કરી ઇજા પહોંચાડતા આ બનાવ અંગે સીટી બી પોલીસે ગુન્હો નોંધ્યો હતો. બંને બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ જામનગરના જીવાપર ગામે રહેતા દાનાભાઇ ગગાભાઇ પરમાર (ઉ.વ.42) નામના યુવાન પર સુનીલ હરિભાઈ કંટારીયા, મિલન હરિભાઈ કંટારીયા, હરિભાઈ ખીમાભાઇ કંટારીયા, પ્રવીણ નથુભાઈ કંટારીયા, સંજય નથુભાઈ કંટારીયા, ચંપાબેન હરિભાઈ કંટારીયા, મનીષ હરિભાઈ કંટારીયા નામના એક જ પરિવારના સાતેય શખ્સે પાવડાના હાથા વડે ફટકારી ડાબા હાથમાં મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમ જ જમણા હાથમાં લોહી કાઢી નાની મોટી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત સાહેદ વિજયને લાકડાનો ધોકો માથામાં ફટકારી લોહી કાઢી તેમજ રાહુલ, રસીલાબેન, નીતુબેનને પણ છુટા ઈંટોના ઘા કરી મુંઢ ઈજાઓ પહોચાડી હતી અને ઢીકાપાટુ વડે આડેધડ મારકૂટ કરતા દાનાભાઇ પરમારને હાથમાં પાંચ ટાકાની અને સાહેદ વિજયને પણ માથાના ભાગે વાગતા ટાકા લેવા પડ્યા હોય આ બનાવ અંગે દાનાભાઇ પરમાર દ્વારા સાતેય શખ્સ સામે સિક્કા પોલીસ મથકે ફરિયાદ નોધાવાય છે. 
પોલીસ ફરિયાદમાં જણાવેલ હકીકત પ્રમાણે હરિભાઈ કંટારીયાના ઈંટો બનાવવા વાડો મજુર ભાગી જતા દાનાભાઇને "તે મારા મજુરને ખોટી ચડામણી કરી ભગાડી મુકેલ છે" તેમ જણાવી ગાળો કાઢતા સાહેદ વિજયએ ગાળો કાઢવાની ના પાડતા બાદમાં આ ડખ્ખો થયાનું જાહેર થયું છે. પોલીસે તમામ સામે ગુન્હો દાખલ કરી ગ્રામ્ય વિભાગના સીપીઆઇ દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરી છે.         
જયારે જામનગરમાં નાગરેશ્વર રોડ પાસે રહેતા સલીમભાઇ હુસેનભાઇ સમા નામના 32 વર્ષના યુવાન ઉપર વસીમ, ગફાર, જુસબભાઇ તથા એક અજાણ્યા શખ્સે એકસંપ કરી લાકડાના ધોકા, પાઇપ વડે હુમલો કરી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી ઉપરાંત ઈજાગ્રસ્ત સલીમભાઈના બહેનને પણ હુમલામાં ઘવાતા સારવારમાં ખસેડાય છે. સલીમભાઈની ભત્રીજીનું છુટુ કરવા બાબતે વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા ડખ્ખો થયાનું તેણે ફરિયાદમાં જણાવતા સીટી બી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.