જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં ડુપ્લીકેટ એટીએમ કાર્ડ વડે ચીટીંગ કરવાના ગુન્હામાં પકડાયેલા એક આરોપીના પિતાએ પુત્રના કરતૂતોના કારણે જિંદગીથી તંગ આવી જઈ ટ્રેન હેઠળ પડતું મુકી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે સમર્પણ નજીક રેલવે ફાટક પાસે આપઘાત કરી લેતા તેના દેહના ટુકડા થઇ ગયા હતા. 
મળતી વિગત મુજબ જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં લાલા મેતાની શેરીમાં રહેતા અને રેલવેમાં ફાટકમેન તરીકે નોકરી કરતા જગદીશભાઈ ચનાભાઈ પરમાર નામના પંચાવન વર્ષના પ્રૌઢે ગઈકાલે સાંજે સવા છ વાગ્યે સમર્પણ નજીકની રેલવે ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી દેતા તેના દેહના ત્રણ ટુકડા થઇ ગયા હતા અને બનાવના સ્થળે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું અને ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સીટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના સંબંધી દિનેશભાઇ ગોકલભાઇ પરમારનું પોલીસે નિવેદન નોંધ્યું હતું જેની પુછપરછમાં મૃતકનો પુત્ર મોહિત જગદીશભાઈ પરમાર તાજેતરમાં ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી ચીટીંગ કરવાના ગુન્હામાં પકડાયેલો છે. જે પુત્રના વારંવારના કુંડાળાથી તંગ આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું. 
મૃતક સમર્પણ હોસ્પિટલ નજીક ફાટકમેન તરીકે નોકરી કરતા હતા જે ફરજ દરમ્યાન ફાટક બંધ કર્યા પછી જેવી ટ્રેન ત્યાં પહોંચી હતી તેજ સમયે તેણે ટ્રેનના એન્જીન હેઠળ પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનો પુત્ર સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ રિમાન્ડ પર હતો તેની સાથેના અન્ય ત્રણ શખ્સો પાસેથી રૂ. 70 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી અને તેને જેલમાં ધકેલી દેવાયા છે. જેઓની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવામાં આવી રહ્યો છે.