ગોકુલનગર વિસ્તારનો બનાવ : જામ્યુકો તંત્ર ક્યારે પગલાં ભરશે ? : લોકોમાં આક્રોશ સાથે સવાલ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ખુંટીયાએ ઢીક મારતા પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે જાણ થતા સીટી સી પોલીસે ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ગોકુલનગર વિસ્તારમાં મોમાઈ પાન પાસે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઇ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે આ જ વિસ્તારમાંથી ચાલીને પસાર થતા હોય દરમ્યાન રસ્તે રઝળતા ખુંટીયાએ તેઓને ઢીક મારતા નીચે પટકાતા માથાના તેમજ વાંસામાં અને છાતીના ભાગે મુંઢ ઈજાઓ પહોંચતા તાકીદે 108 દ્વારા સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા આ બનાવની ભગવાનજીભાઈ કેશવજી ભાઈ દ્વારા સીટી સી ડિવિઝનમાં જાણ કરાતા હે.કો. એમ.પી. મેર આગળની તપાસ ચલાવી રહ્યા છે.
નોંધનીય છે કે, જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ હોય આ બાબતે દરેક લત્તાવાસીઓ દ્વારા જામ્યુકો તંત્રને અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવે છે પરંતુ ઉહાપોહ થાય છે ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. અને ટૂંક સમયમાં જ આ પ્રકારની રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી આટોપી લેવામાં આવે છે જેના કારણે નિર્દોષ નાગરિકોને ઇજાનો અથવા મોતનો સામનો કરવો પડતો હોય લોકોમાં આક્રોશ ફેલાયો છે. સાથે-સાથે ફરીથી રઝળતા ઢોરના પ્રશ્ને મજબુત કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
0 Comments
Post a Comment