અબડાસા નજીકની કચ્છ સરહદે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યના અહેવાલ
 જામનગર મોર્નિંગ અમદાવાદ


પૂલવામા આતંકી હુમલાના બદલા સ્વરૂપે ભારતીય એરફોર્સે મંગળવારે મળસકે સાડા ત્રણ વાગ્યે જે રીતે એરસ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે તેને જોતાં પાકિસ્તાન રઘવાયું થયું હોવાના પણ અહેવાલ મળ્યા છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના અબડાસા નજીક આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ડ્રોન વિમાન ભારતે તોડી પાડ્યાના અહેવાલ છે.
મંગળવારે ભારતે એરસ્ટ્રાઇક કર્યા ત્યારથી જ ભારતે તેની તમામ સરહદો પર એરફોર્સ, બીએસએફ અને આર્મીને એલર્ટ પર મૂકી દીધી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર મંગળવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાનનું રિમોટ કંટ્રોલ સંચાલિત ડ્રોન કચ્છ સરહદે નજરે પડ્યું હતું.
ભારતીય વાયુ સેનાએ PoKમાં કરેલી કાર્યવાહી કરી છે તે દરમિયાન ગુજરાતનાં પાકિસ્તાનને અડી ને આવેલા જીલ્લા કચ્છમાં પાકિસ્તાનનાં એક માનવ રહિત વિમાનને તોડી નાખવામાં આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે છ વાગ્યાના અરસામાં કચ્છનાં અબડાસા તાલુકાનાં નૂનધાતડ ગામ પાસે એક પાકિસ્તાની યુએવીને ભારતીય એરફોર્સ દ્રારા હવામાં જ તોડી પાડવામાં આવ્યુ હતુ.

કચ્છ સ્થિત સુરક્ષા દળનાં અધિકારીઓ આ અંગે મૌન સેવી રહ્યાં છે. જોકે ગામનાં કેટલાંક લોકોએ વહેલી સવારે ધડાકાનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ ઘટના સ્થળેથી ડ્રોન ટાઇપનાં યુએવીનો ભંગાર પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ માનવ રહિત વિમાન કચ્છમાં ભારતીય સીમમાં સુરક્ષા દળોની રેકી કરવા આવ્યુ હોવાનું મનાય છે. ઘટના અંગે વધું વિગતો મેળવવામાં આવી રહી છે.