જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા સહિતના હાલારના સાગર કિનારાઓને હાઇએલર્ટ ઘોષિત કરાયા પછી તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સાગર કિનારાઓ ઉપર મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યં છે. દરિયાઈ પેટ્રોલિંગ તેમજ જુદા જુદા લેડીંગ પોઇન્ટ પર સતત પેટ્રોલિંગના આધારે બાજ નજર રાખવામાં આવી છે અને તમામ સુરક્ષા એજન્સીઓનો લોખંડી જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. 
મળતી વિગત મુજબ પાકિસ્તાન સાથે એરસ્ટાઇક સર્જાયા પછી છેલ્લા બે દિવસથી હાલારના સાગર કિનારા હાઇએલર્ટ ઘોષિત કરી દેવતા નેવી, કોસ્ટ ગાર્ડ સહિતની દેશની તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે જામનગર તેમજ દેવભુમીદ્વારકા જિલ્લાના તમામ સાગર કિનારાઓ પર હાઇએલર્ટના પગલે તમામ દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો અને એસ.ઓ.જી. દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી તમામ લેન્ડીંગ પોઇન્ટ તેમજ સાગરના કિનારાઓ ઉપર લોખંડી જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. નિર્જન ટાપુઓ પર ખાર ચકાસણી કરવામાં આવી રહી છે અને બોટ મારફતે પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે, માછીમારોને દરિયામાં નહીં જવા માટે સુચનાઓ આપવામાં આવી છે. 
હાલારના સાગર કિનારાઓ ઉપરાંત તમામ હાઇવે રોડ ઉપર પોલીસ દ્વારા ચેક પોસ્ટ ઉભી કરાયા પછી પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો, તમામ ધાર્મિક સ્થળો સહિતના જાહેર સ્થળોએ પોલીસ દ્વારા બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના સામાન પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જામનગર શહેર અને સમગ્ર જિલ્લાભરમાં સ્થાનિક તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.