આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરાયો : જામનગર જિલ્લામાં 1941 મતદાન મથકો ઉભા કરશે : 16,38,823 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાનું ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે અને જામનગર જિલ્લામાં આચારસંહિતાનો આદર્શ અમલ થાય તે રીતે કાર્યવાહી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 જામનગર લોકસભાની બેઠક માટે કુલ 16,38,823 મતદારો નોંધાયા છે જેના માટે કુલ 1941 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ચૂંટણીનો કંટ્રોલ રૂમ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને પ્રથમ દિવસે જ 24 સરકારી વાહનો કબ્જે કરી લેવામાં આવ્યા છે ઉપરાંત સમગ્ર જિલ્લાભરમાંથી ચૂંટણીને પ્રચારને લગતું થોકબંધ સાહિત્ય કબ્જે કરી લેવામાં આવ્યું છે. 
જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રવિશંકરે વિગતો આપતાં જણાવ્યું હતું કે 12 જામનગર લોકસભાની બેઠક માટે જામનગર જિલ્લામાં કુલ 10,97,017 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5,41,806 મતદારો મળી કુલ 16,38,823 મતદારો નોંધાયા છે. હજુ પણ મતદાર યાદીમાં નામો ઉમેરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જો કોઈ નાગરિક પોતાનું નામ ઉમેરવા માંગતો હોય તો 24/03/2019 સુધીમાં પોતાના નામ અને વિગત સાથેના ફોર્મ હજુ રજૂ કરી મતદાર યાદીમાં નામનો ઉમેરો કરાવી શકશે.
જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી કાર્યાલયમાં 1950 નંબરનો હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે જેના પરથી જિલ્લા ભરની તમામ ચૂંટણીલક્ષી માહિતી મળી શકશે અથવા તો કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે.
જામનગર જિલ્લાના કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 2,18,870 મતદારો નોંધાયા છે. જામનગર ગ્રામ્યમાં 2,28,332 મતદારો નોંધાયા છે. જામનગર ઉત્તરમાં 25,035 મતદારો નોંધાયા છે. જામનગર દક્ષિણમાં 2,12,139 મતદારો નોંધાયા છે. જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 2,12,655 મતદારો નોંધાયા છે. ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 2,73,916 અને દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 2,67,890 મળી કુલ 16,38,823 મતદારો નોંધાયા છે. જે મતદારો માટે 76 કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 299 મતદાન મથકો ઉભા કરાશે અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ધ્રોલની હરધોળ હાઈસ્કૂલમાં ઈ.વી.એમ. મશીનો રાખવામાં આવશે. ત્યાર પછી 77-જામનગર ગ્રામ્યમાં 277 મતદાન મથકો ઉભા કરાશે અને હરિયા કોલેજમાં ઈ.વી.એમ. મશીનોને રાખવામાં આવશે. ત્યારપછી 78-ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 221 મતદાન મથકો ઉભા કરવામાં આવશે જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડી.કે.વી. કોલેજમાં તમામ ઈ.વી.એમ. મશીન એકત્ર કરવામાં આવશે. 79- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને પ્રભુલાલ સંઘરાજ શાહ વિધાલય, ડી.સી.સી. હાઈસ્કૂલમાં ઈ.વી.એમ. મશીનો રાખવામાં આવશે. 80- જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને લાલપુરની હાઈસ્કૂલમાં ઈ.વી.એમ. મશીનો એકત્ર કરવામાં આવશે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 81 વિધાનસભા વિસ્તારમાં 338 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને ખંભાળિયાની પ્રાંત અધિકારીની કચેરીમાં ઈ.વી.એમ.મશીનો એકત્ર કરવામાં આવશે. જયારે 82-દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 322 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને મતદાન પ્રક્રિયા પછી શારદાપીઠ કોલેજમાં ઈ.વી.એમ. મશીનો એકત્ર કરવામાં આવશે જે તમામ એકત્ર થયેલા ઈ.વી.એમ. મશીનોને 23મી તારીખની મોડી રાત્રે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવાના દિવસે જામનગરની હરિયા કોલેજમાં બંને જિલ્લાના ઈ.વી.એમ. મશીનો એકત્ર કરીને સ્ટ્રીંગ રૂમમાં રાખવામાં આવશે અને ત્યાર પછી 23/5ના દિવસે હરિયા કોલેજમાં જ મતગણતરી યોજવામાં આવશે.
જામનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જામનગર જિલ્લાના જુદા-જુદા પદાધિકારીઓના કુલ-19 સરકારી વાહનો પરત લઇ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે 577 પોસ્ટર ઉતારવામાં આવ્યા છે. 314 જેટલા નાના-મોટા બેનરો ઉતારી લેવાયા છે, 701 ઝંડા તથા અન્ય ચૂંટણી લક્ષી સાહિત્ય ઉતારી લેવાયું છે. 3 કટઆઉટ ઉતારવામાં આવ્યા છે. 162 ભીત પર લખાવેલા સુત્રો દૂર કરાવાયા છે. આ ઉપરાંત 211 જેટલા નાના-મોટા પોસ્ટરો અને 211 જેટલા ચૂંટણી પ્રચારને લગતા ફોટાઓ દૂર કરવામાં આવ્યા છે. 
જામનગર જિલ્લામાં ફ્લાઈંગ સ્કોડની જુદી-જુદી 15 ટીમો બનાવવામાં આવી છે ઉપરાંત વિડીયો ઓપઝર્વરની પાંચ ટીમો બનાવવામાં આવી છે અને વિડિઓને નિહાળવા માટેની પાંચ ટીમો બનાવવામાં આવી છે જે ટીમ સમગ્ર વીડિયોનું નિરીક્ષણ કર્યા પછી ક્યાંય પણ આચારસંહિતાનો ભંગ થયો હોય તેનું મોનીટરીંગ કરી મુખ્ય ચૂંટણી અધિકારી સમગ્ર રિપોટીંગ કરવામાં આવશે. જામનગર જિલ્લાના સંવેદનશીલ અથવા અતિસંવેદનશીલ (ક્રિટિકલ) મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને કાયદોને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સાથે બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર પેરામિલીટ્રી ફોર્સની નિમણુંક કરવાની તેમજ મતદાન મથકો પર સી.સી.ટી.વી. કેમેરા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં 28/3/2019 થી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે અને 28/3/2019 થી 4/4/2019 સુધી બપોરે 3 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે જેની ચકાસણી 5 મી તારીખે કરવામાં આવશે ત્યારપછી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 8/4/2019 સુધીની રહેશે અને 8 તારીખથી જ ઈ.વી.એમ. મશીનોમાં ઉમેદવારોની યાદીના બેલેટ તૈયાર કરી લેવામાં આવશે. 23/4/2019ના દિવસે મતદાન થઇ ગયા પછી તમામ ઈ.વી.એમ. મશીનો જામનગર ખસેડી હરીયા કોલેજમાં સ્ટ્રીંગ રૂમમાં મુકી દેવાશે અને 23/5/2019 ના દિવસે મતગણતરી હાથ ધરાશે. સમગ્ર જીલ્લા ભરમાં 27/5/2019ના દિવસે ચૂંટણીને પૂર્ણ જાહેર કરાશે.