મૃતકના પરિવારજનોમાં આક્રોશ : કારખાનેદાર સામે બેદરકારીનો આરોપ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના દિગ્વીજય પ્લોટ શેરી નં. 49ના છેડે આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાં ગેસ ગળતરની ઘટના પછી બે શ્રમિકો બેશુધ્ધ બન્યા હતા અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે દરમ્યાન એક શ્રમિકે જી.જી. હોસ્પિટલના બિછાને સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ ઘટના પછી મૃતકના શ્રમિક પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કારખાનેદાર સામે બેદરકારીના આરોપ લગાવી ફરિયાદ નોંધાવવા હિલચાલ શરૂ કરી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા ન્યુ આશાબ્રાસ ઇન્ડસ્ટ્રીઝ નામના બ્રાસપાર્ટના કારખાનામાં ગઈકાલે બપોરે 11.30 વાગ્યાના અરસામાં આઠ વર્ષથી બંધ પડેલી એક ટેન્કને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કારખાનેદાર કમલેશ શંકરલાલ ભદ્રા પોતે હાજર હતા અને બે શ્રમિકો રાધાકિશન સોબરનસિંહ કુશવાહા (ઉ.વ.27) (મુળ ઉત્તરપ્રદેશ) અને રોનક કુશવાહા (ઉ.વ.22) ને સાફ સફાઈ માટે ટેન્કમાં ઉતારવામાં આવ્યા હતા. 
જે દરમ્યાન ટેન્કમાં એકાએક ગેસનું ગળતર થતા અંદર ઉતરેલા બંને શ્રમિકો બેશુધ્ધ થઇ ગયા હતા જેને કાઢવાનો પ્રયત્ન કારખાનેદાર કમલેશ શંકરલાલ ભદ્રાને પણ ગેસની સામાન્ય અસર થઇ હતી આ સમગ્ર ઘટનાની જામનગર મહાનગરપાલીકાની ફાયર બ્રિગેડ શાખા તેમજ 108 નંબરની ટીમને જાણ કરાતા બંને ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને શ્રમિકોને રેસ્ક્યુ કરીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યાં રાત્રીના સમયે સારવાર દરમ્યાન રાધાકિશન કુશવાહા નામના એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવના પગલે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ તે પહેલા જ મૃતક શ્રમિકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેઓ દ્વારા સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર મામલો ફરીથી સીટી સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે અને મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે ફેક્ટરી ઇન્સ્પેકટરની મદદ લેવામાં આવી છે.