આરટીઆઈ એક્ટીવિસ્ટ દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી કમિશ્નરને પગલાં ભરવા માંગણી કરેલ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગર પાલિકામાં અઢી વર્ષ પૂર્વે દલા તરવાડીની વાર્તા મુજબ રહેમ નોકરી આપવામાં જબર જસ્ત કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને આ કૌભાંડ ખુલ્લું પડતાં જે તે સમયે જવાબદારો સામે પગલાં ભરવાં ખાસ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મામલો કોર્ટમાં પણ ગયો હતો ત્યાં એકના બદલે બીજા રાજુને નોકરીએ રાખી લેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું, આમ છતાં અઢી વર્ષ કરતાં સમયથી ખોટી નોકરી મેળવનારને છુટ્ટો કરી બોગસ ભરતી કરનારાઓ સામે પગલાં ભરવામાં આવતાં નથી. ઉલ્ટુ ઇન્ચાર્જ ડે. કમિશ્નર મુકેશ કુંભારાણાએ આ કૌભાંડને દબાવી દેતાં નવ નિયુકત મ્યુ. કમિશ્નર પટેલને આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભાવિક પાબારી દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી છે.
જામનગર મહાનગરપાલિકાના ચકચારી ભરતી કૌભાંડની વિગતો જોઇએ તો, વર્ષ 2016ના અરસામાં મહાપાલિકામાં ફરજ બજાવતાં હરશી ખીમાભાઇ મકવાણાનું અવસાન થતાં તેમનાં પુત્ર રાજુ હરશી મકવાણાએ વારસદાર દરજજે નોકરી મેળવવા અરજી કરી હતી અને તેમને નોકરી પણ મળી ગઇ હતી બીજી તરફ મહાપાલિકાના ભેજાબાજ કૌભાંડીયા તત્વોએ રહેમ રાહે નોકરી આપવાની આડમાં બોગસ રાજુ હરશી નથુ મકવાણા નામના વ્યકિતને વોટરવર્ક શાખામાં હુકમના આધારે દાળીયા કર્મચારી તરીકે ફિટ કરી દીધો હતો. આમ, એક જ વ્યકિતના વારસદાર તરીકે બબ્બે રાજુ હાલમાં જામનગર મહાનગરપાલિકામાં નોકરી મેળવી પ્રજાના પૈસે લીલા લહેર કરી રહ્યા છે દરમીયાન આ ચોંકાવનારી બાબત અંગે જે તે સમયે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને કમિશ્નરે નિષ્ઠાવાન અને પ્રમાણીક અધિકારી મુકેશ વરણવાને તપાસ સોંપી હતી.
બીજી તરફ આ નિષ્ઠાવાન તપાસનીશ અધિકારીએ તા. 03-01-2017ના રોજ બબ્બે રાજુને મહાનગરપાલિકામાં ભરતી કરવા મામલે પ્રમાણીક પણે તપાસ કરી દુધનું દુધ કરી અને પાણીનું પાણી કરી રાજુ હરશી નથુ મકવાણા નામનો વ્યકિતએ ખોટી રીતે નોકરી મેળવી હોવાનું તપાસ રિપોર્ટમાં તત્કાલીન કમિશ્નર આર.બી. બારડને અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલમાં પણ મહાનગરપાલિકાની એસ્ટા બ્રાન્ચ દ્વારા કોઇ વિગતો આપવામાં આવતી ન હોવાનો ઉલ્લેખ કરાયેલો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન મહાનગરપાલિકાની તિજોરી ઉપર કૌભાંડના કારણે ભારણ પડી રહ્યું હોવાનું જાણવા છતાં છેલ્લા બે વર્ષથી આ તપાસ રિપોર્ટને મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડી.એમ.સી. દાબીને બેસી ગયા છે. હકિકતમાં મહાનગર પાલિકાના પૈસા એટલે કે પ્રજાના પૈસાનો વેડફાટ કરી કૌભાંડ આચરનારાઓ સામે કડકપણે પગલાં ભરવાને બદલે જાણે કશું બન્યુ જ ન હોય તે રીતે રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો છે ત્યારે આ ચકચારી પ્રકરણમાં જામનગરના આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભાવિક એચ. પાબારી દ્વારા નવનિયુકત મ્યુ. કમિશ્નરને આધાર પુરાવા સાથે ફરી એક વખત ફરિયાદ કરવામાં આવી છે.
આ સંજોગોમાં હવે જોવાનું એ રહ્યું કે, નવનિયુકત મ્યુ. કમિશ્નર મહાનગરપાલિકાની તિજોરી પર પડતો નાહકનો બોજ હટાવી બોગસ ભરતી કૌભાંડના જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભરે છે કે પછી સુપર કમિશ્નરના વહેમમાં ફરતા ઇન્ચાર્જ ડે. કમિશ્નર કુંભારાણાને બચાવે છે.
0 Comments
Post a Comment