જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના બર્ધનચોક વિસ્તારમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા પછી વેપારીઓ પર લાઠી ચાર્જ થયો હતો જે પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇની દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકીમાં તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે વેપારીઓ દ્વારા જવાબદાર પોલીસ કર્મચારી સામે પગલાં ભરવાની માંગણી સાથે આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ છે.
જામનગરમાં બર્ધનચોક વિસ્તારમાં એક વાહનને ટોઇંગ કરવાના મામલે વેપારીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વેપારીના ટોળાને વિખેરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જે પ્રકરણમાં ખુદ જિલ્લા પોલીસ વડા શરદસિંઘલને મેદાનમાં આવવું પડ્યું હતું અને વેપારી આગેવાનો સાથે બેઠક યોજી બે દિવસમાં સમગ્ર મામલાની તપાસ કરવી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
દરમ્યાન સિંધી સમાજના વેપારીઓ દ્વારા વધુ એક બેઠક બોલાવવામાં આવી હતી અને વેપારીઓ પર લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી દોહરાવી હતી અને પોતાને ન્યાય ન મળે તો ધરણા - બંધનું એલાન સહિતના કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું હતું. દરમ્યાન ગઈકાલે મોડી સાંજે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા દરબારગઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.ગરચરની દિગ્વીજય પ્લોટ પોલીસ ચોકીમાં બદલી કરી નાખી છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો અમલ હોવાથી ચૂંટણી તંત્રની મંજુરી મેળવી આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે અને દરબારગઢ પોલીસ ચોકીનો ચાર્જ પીએસઆઇ ગામિતને સોંપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વેપારીઓ દ્વારા હવે આ પ્રકરણમાં આગળ શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌની મીંટ મંડાયેલી છે.