રાજીનામાં બાદ ગાંધીનગરમાં કેસરીયો ખેસ ધારણ કર્યો : જામનગરમાં હાર્દિકની ગેમ પુરી કરવા ભાજપની રણનિતી 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ આજે વિધાનસભાના સ્પીકરના ઘેર જઈને પોતાનું રાજીનામું ધરી દીધું છે અને ગણતરીના કલાકોમાં જ ગાંધીનગર સ્થીત ભાજપના કાર્યાલયમાં અન્ય સમર્થકોની સાથે પહોંચી જઈ ભાજપમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ નાટયાત્મક વણાંક પાછળ જામનગર ભાજપની હાર્દિક પટેલની ગેમ પુરી કરવાની રણનીતિનું પગલું માનવામાં આવી રહ્યું છે. 
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા કોંગ્રેસથી નારાજ ચાલી રહી હોવાની અટકળો પછી સોમવારે બપોરે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના ઘરે પહોંચીને જઈ પોતાનું રાજીનામું ધરી દીધું છે. ત્યાર પછી તેઓ તુરંત જ ગાંધીનગર સ્થીર ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયા હતા. જ્યાં પાર્ટીના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, જામનગરના નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો.
કોંગ્રેસ સાથે છેડો ફાડનાર વલ્લભભાઈ ધારવીયાએ કોઈપણ પ્રકારના પદની લાલચ કે સતા લાલસા વિના રાજીનામું આપ્યું છે અને ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેમ જણાવ્યું હતું. હું ભવિષ્યમાં ભાજપમાંથી ધારાસભા કે લોકસભાની ચૂંટણી લડવાનો નથી આથવા મને કોઈ પદની લાલચ નથી પરંતુ કોંગ્રેસમાં પરિવારવાદ ચાલતો હોવાથી અને નતૃત્વની ખામી હોવાનું જણાવી પોતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ફરીથી ભાજપમાં આવ્યાનું જણાવ્યું હતું. પોતાનો ગૌત્ર ભાજપનું હોવાથી પોતે ફરીથી ભાજપમાં આવ્યા છે અને દેશનું નેતૃત્વ વડાપ્રધાન મોદી સારી રીતે કરી રહ્યા છે અને તાજેતરમાં તેમણે કરેલી સર્જીકલ સ્ટ્રાઇકને લઈને હું પ્રેરાયો છું અને ફરીથી ભાજપમાં આવ્યો છું અને ફરીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને તે માટે હું અને મારો સમાજ સમર્થન કરે તેવી અપેક્ષા રાખું છું.
જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સતવારા સમાજની બહુ મોટી વસ્ત છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપથી નારાજ ચાલતા હતા તે દરમ્યાન કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશેલા ;રાઘવજીભાઈ પટેલ કે જેઓ 77 વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમની સામે કોંગ્રેસે વલ્લભભાઈ ધારવીયાને ટીકીટ આપી હતી અને વલ્લભભાઈ 77 વિધાનસભા વિસ્તારમાંથી વિજયી બન્યા હતા. વર્તમાન સમયમાં જામનગરની બેઠક પર કોંગ્રેસ પાર્ટી હાર્દિક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પ્રક્રિયાઓ ચાલી રહી છે આ સમયે હાર્દિક પટેલની ગેમ પુરી કરવાના ભાગરૂપે ભાજપે મોટો દાવ ખેલ્યો હતો અને વલ્લભભાઈ ધારવીયાને મનાવી લઇ તેઓની વિકેટ ખેરવી નાખી છે અને ભાજપમાં પ્રવેશ આપી દઈ સતવારા સમાજને ફરીથી ભાજપમાં ફેરવવા મતદાન કરવા માટેની રણનીતિ ઘડી છે.