બહેન સાથે ઝગડો થતા બાકોડીની યુવતી ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી લીધી : દ્વારકામાં યુવાનનો બીમારી સબબ ગળેફાંસો : ભીમરાણાના પ્રૌઢનું માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્નાન 

જામનગર મોર્નિંગ - દ્વારકા 
દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં આપઘાતના ત્રણ બનાવ પોલીસ દફ્તરે નોંધાયા છે જેમાં બાંકોડીની યુવતીએ ઝેરી દવા પી લેતા તથા દ્વારકાના યુવાને ગળેફાંસો ખાઈ લેતા અને ભીમરાણાના પ્રૌઢએ અગ્નિ સ્નાન કરી લેતા ત્રણેયના મૃત્યુ નિપજતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. 
મળતી વિગત મુજબ કલ્યાણપુરના બાંકોડી ગામે રહેતી ટમુબેન ફોગાભાઈ બૈડીયાવદર નામની 19 વર્ષની યુવતીએ તેણીની બહેન સાથે કોઈ બાબતે ઝગડો થતા મનમાં લાગી આવતા પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
જયારે દ્વારકામાં શાકમાર્કેટ વિસ્તારમાં સરસ્વતી શેરી ખાતે રહેતા રમેશભાઈ જીવણદાસ ભાયાણી નામના 39 વર્ષના વેપારી યુવાન છેલ્લા ચારેક વર્ષથી બીમારી હોય અને દવા ચાલુ હોય દરમિયાન કંટાળી જઈ પોતાના ઘરે બારીમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે રાજેશભાઈ જીવણદાસ ભાયાણીએ દ્વારકા પોલીસને જાણ કરતા હે.કો. ડી.જે. ઓડેદરા આગળની તપાસ ચલાવી રહ્યા છે. 
ઉપરાંત દ્વારકાના ભીમરાણા ગામે રહેતા દેવશીભાઇ તેજાભાઈ રોશીયા નામના 55 વર્ષના પ્રૌઢએ માનસિક બીમારીના કારણે પોતાના હાથે શરીરે કેરોસીન છાંટી સળગી ઉઠતા સારવાર દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પ્રતાપભાઈ દેવશીભાઇ રોશીયાએ મીઠાપુર પોલીસમાં જાણ કરતા હે.કો. કે.આર. જાડેજા આગળની તપાસ ચાલવી રહ્યા છે.