આરોપીને પોલીસે પકડી લીધો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના બેડેશ્વર નજીક વૈશાલીનગરમાં એક વૃધ્ધા ઉપર કાચની બોટલના ઘા કરી હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે હત્યારા આરોપીને દબોચી લીધો છે. મૃતકની પૌત્રી સાથે બિભત્સ વર્તન કરતો હોવાથી વૃધ્ધાએ આરોપીને પડકારતા આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. 
જામનગરના બેડેશ્વર નજીક વૈશાલીનગર શેરી નં. 5માં રહેતા જયાબેન કમાભાઈ પરમાર નામના 66 વર્ષના વૃધ્ધા ઉપર તેનાજ પાડોશમાં રહેતા સંજય લાખાભાઈ પરમારે માથામાં કાચની બોટલ ફટકારતા ગંભીર ઇજા થવાના કારણે જયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો જે પ્રકરણમાં જયાબેનની પુત્રી પારૂબેન હરેશભાઈ સોલંકીએ પાડોશી આરોપી સંજય પરમાર સામે હત્યા અંગેના ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 302, 324 અને 504 તેમજ જીપી એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધાયો હતો.
જે ગુન્હામાં આજે સીટી બી ડિવિઝન પોલીસે સંજય પરમારની ધરપકડ કરી લીધી છે. મૃતકની પૌત્રી પોતાના ફળીયામાં ઉભી હતી ત્યારે આરોપીએ તેણીની સાથે અશોભનીય ચેસ્ટા કરી હતી જેથી નારાજ થઈને વૃધ્ધાએ આરોપીને ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને માથામાં બોટલ ફટકારી દેતા વૃધ્ધાનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હોવાથી બનાવ હત્યામાં પલટાયો હતો.