હોસ્પિટલનું નવું મકાન રૂ ૭૧૭૯.૭૨ લાખના ખર્ચે અને મેડિકલ કોલેજની હોસ્ટેલનું મકાન રૂ ૨૪૧૯.૫૮ લાખના ખર્ચે તૈયાર કરાયુ : વડાપ્રધાનએ કેન્સરના દર્દીઓને પુછ્યા ખબર અંતર અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સાધ્યો રૂબરૂ સંવાદ
જામનગર મોર્નિંગ - જામનગર
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવા મકાનનું અને શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના પી.જી (અનુસ્નાતક) વિદ્યાર્થીઓની નવી હોસ્ટેલના નવા મકાનનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ ૫ટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન તથા મહાનુભાવોએ હોસ્પિટલના નવા મકાનની અને પી.જી હોસ્ટેલના નવા બિલ્ડીંગની સુવિધા અંગેની ટેલીફિલ્મ નિહાળી હતી. આ ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું વિસ્તરણ ગ્રાઉન્ડ ફ્લોર સહિત ૯ માળની ૭૦૦ બેડની સુવિધા ધરાવતી નવી ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ ૨૮,૯૭૨ ચો.મી. છે. જેમાં કુલ વોર્ડ ૨૨, રૂ. ૭૧૭૯.૭૨ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેમાં મેડિસિન, સાઈકિયાટ્રિક, પિડિયાટ્રિક તથા રેડીયોથેરાપી સહિતના વિભાગોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
જ્યારે મેડિકલ કોલેજની પી.જી હોસ્ટેલનું નવુ બિલ્ડીંગના ૧૧ માળનું બાંધવામાં આવ્યું છે. જેમાં તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે. આ બિલ્ડીંગના બાંધકામનું ક્ષેત્રફળ ૧૪,૮૯૯ ચો.મી. છે જે રૂ. ૨૪૧૯.૫૮ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ સૌરાષ્ટ્રની મોટી ગણાતી હોસ્પિટલમાં હાલ ૧૩૩૯ બેડની સુવીધા ઉપલબ્ધ છે. દરરોજ સરેરાશ અંદાજીત ૩૫૦૦ જેટલા ઓ.પી.ડી. કેસ અને 300 જેટલા ઇન્ડોર કેસ અને ૨૫૦ થી ૩૦૦ જેટલા ઓપરેશન કરવામાં આવે છે.
જનઆરોગ્ય અંગે હંમેશા ચિંતિત રહેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હોસ્પિટલ અને હોસ્ટેલના નવા ભવનોનું લોકાર્પણ કર્યા બાદ આ હોસ્પિટલમાં કેન્સરના રોગની સારવાર લેતા દર્દીઓના વોર્ડમાં ગયા હતા. દર્દીઓને અપાતી સારવાર અંગેની માહિતી દર્દીઓ તથા તેમના સ્નેહીજનો પાસેથી મેળવી હતી. આ દર્દીઓમાં જૂનાગઢના રમેશચંદ્ર વ્યાસ, જામનગરના નરેન્દ્રભાઈ ભાવીનભાઈ, રાજકોટના પ્રવીણભાઈ ચૌહાણ, પોરબંદરના હંસાબેન વિજયભાઈ અને જામનગરની ૧૩ વર્ષની બાળકી મનીષા રોરીયાની પૂચ્છા કરીને દર્દીઓ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી.
ત્યાર બાદ દેશના યુવાઓને હરહંમેશ કંઇક નવુ કરવાની પ્રેરણા આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજમાં વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા અનુસ્નાતકના (એમ.એસ./એમ.ડી) અને એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. વડાપ્રધાનએ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં દર્દીઓને અપાતી સારવાર અને સુવિધાઓ, આયુસ્યમાન ભારત અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓને વિના મુલ્યે અપાતી સારવાર અને હોસ્ટેલના નવા બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ અંગે વિગત મેળવીને વાકેફ થયા હતા.
આરોગ્ય કમિશ્નર જયંતિ રવિ અને મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ દ્વારા વડાપ્રધાન તથા અન્ય મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર, ફેકલ્ટી ડીન ડો. વિજય પોપટ, એડિ. ડીન ડો. સૌગતા ચેટર્જી, એડિ. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, ડો. સુધીર મહેતા, ડૉ. ભદ્રેશ વ્યાસ, ડો. સુરેન્દ્ર સૈની સહિત અન્ય અધ્યાપકો, ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત પૂર્વે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
0 Comments
Post a Comment