પાણીનો પડતર ટાંકો સાફ કરતી વેળાએ બે કારીગર બેભાન 
જીવીત હાલતમાં બહાર કાઢ્યા : જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ  
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ બ્રાસપાર્ટના કારખાનામાં પાણીનો પડતર ટાંકો સાફ કરતી વેળાએ બે કારીગરને ગેસ ગળતર થતા બંનેને કારખાનાના માલીક અને કારીગરો તથા ફાયરબ્રિગેડની મદદથી જીવીત હાલતમાં બહાર કાઢી જી.જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસે પણ સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હરિભાઈની વાડી પાસે ન્યુ આશા એન્ટરપ્રાઇઝ નામનું બ્રાસપાર્ટનું કારખાનું આવેલ હોય આ કારખાના પટાંગણમાં પાણીનો ટાંકો સાફ કરવા બે કારીગરને ટાંકામાં ઉતારવામાં આવ્યા હતા. દરમ્યાન એકાએક ટાંકો સાફ કરતી વખતે ગેસ ગળતર થતા બંને કારીગરો બેહોશ થઇ ગયા હતા. દરમ્યાન કારખાનાના માલીક કમલેશભાઈ ભદ્રા આ વેળાએ આવી પહોંચતા તેઓ પણ પોતાના જીવના જોખમે કારીગરોને બહાર કાઢવા અંદર ઉતર્યા હતા અને આ વેળાએ 108ની ટીમને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બેભાન હાલતમાં રાધેક્રિષ્ના નામના વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. બાદ અન્ય એક કારીગર રોનક નામના વ્યક્તિને પણ રીક્ષામાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડ્યો હતો. બેમાંથી એક કારીગરને કારખાનાના માલીક અને ત્યાં કામ કરતા કારીગરો દ્વારા બહાર કાઢવામાં આવેલ જયારે અન્યને ફાયર બ્રિગેડ શાખાની ટીમે પહોંચી જઈ બહાર કાઢ્યો હતો. હાલ બંને કારીગર જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોય સ્થાનિક પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.