ઘાસચારો લઈ ઘર તરફ જતો હોય રસ્તામાં અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દીધુંઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામગનર મોર્નિંગ -જામનગર 
જામનગર તાલુકાના લાવડીયા ગામે રહેતો એક યુવાન શનિવારે મોડી સાંજે ઘાંસચારો લઇને ઘર તરફ આવી રહયો હતો ત્યારે તેને અજાણ્યા શખ્સોએ માર્ગમાં જ આંતરી લઇને બોથડ પર્દાથ કે પથ્થરોના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર જાગી છે. પંચ બી ડિવિઝન પોલીસે અજાણ્યા બે અથવા વધુ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આરંભી છે.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના લાવડીયા ગામે રહેતો મનિષ ઉર્ફે ઘર્મેશ ભુપતભાઇ ચાંદ્રા (ઉ.વ. ૪૫) નામનો યુવાન શનિવારે મોડી સાંજે પોતાની વાડીએ ગયો હતો, જયાંથી ઘાંસચારો લઇને ઘરે પરત આવી રહયો હતો જે દરમ્યાન માર્ગમાં જ અમુક અજાણ્યા શખ્સોએ તેને આંતરી લઇને આડેધડ બોથડ પર્દાથ કે પથ્થરોના ઘા ઝીંકતા લોહી-લોહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે દરમ્યાન કોઇએ પરીવારને જાણ કરતા તાકીદે પરીવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ત્યારબાદ લોહી-લોહાણ હાલતમાં પડેલા મનીષ ઉર્ફે ધર્મેશને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવની જાણ થતા પંચ બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે પોલીસે મૃતકના પરીવારના સભ્યનું નિવેદન નોંધી અજાણ્યા બે અથવા વધુ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધવા માટે તજવીજ હાથ ધરી આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા લાવડીયા ગામમાં ચકચાર સાથે અરેરાટી પ્રસરાવી છે.