જામનગર મોર્નિંગ - જામનગર
તારીખ 22 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અનુસાર જામનગર તાલુકાની ચારણનેશ પ્રાથમિક શાળામાં પણ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બાળકો અને આ વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે તે માટે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. કારણ કે આ વિસ્તારના લોકો પાણીની સમસ્યા ખૂબ જ અનુભવી રહ્યા છે. તેઓ પોતાના અને પશુના પીવા માટે પાણીના ટેન્કરોના સહારે છે. તેથી પાણીનું મહત્વ સમજે અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેની જાગૃતિ માટે વાલીઓ સાથે વાતચીત અને ચર્ચા શાળાના આચાર્ય શ્રી કાનજીભાઈ પારઘી અને શિક્ષક શ્રી વિમલભાઈ નકુમે કરી હતી. તેમ જ બાળકોને આ દિવસનું મહત્વ સમજાય તે માટે ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ તમામ સ્પર્ધાઓ વિમલભાઈ નકુમના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. સ્પર્ધાના વિજેતાઓને શાળા તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.