જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની ગ્રામ્યની 77 વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે લોકસભાની સાથે-સાથે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની છે અને કોંગીના નિરીક્ષકોની ટીમ સોમવારે જામનગર આવી રહી છે અને કોંગીના સંભવિત ઉમેદવારોના નામની યાદી તૈયાર કરવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની સાથે-સાથે જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારની બેઠક વલ્લભભાઈ ધરવીયાએ રાજીનામુ આપી ખાલી કરી દેવામાં આવી છે જેથી કોંગ્રેસ પાર્ટી પણ આ બેઠક માટે સક્રિય બની છે અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં છે. 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ નિરીક્ષકો ડો.ચંદ્રિકાબેન ચુડાસમા જશવંતસિંહ ભટ્ટી અને જે.ટી. પટેલની પેનલ બનાવાઈ છે. જે પેનલ સોમવારે તા. 18.3.2019ના દિવસે જામનગર આવી પહોંચશે અને બપોરે દોઢ વાગ્યે ચેમ્બર હોલમાં બેઠક યોજવામાં આવી છે. 
જે બેઠકમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના તમામ હોદેદારોની સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ચૂંટણી લડવા માંગતા કોંગી સભ્યોની દાવેદારી માટે પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરોક્ત બેઠક પણ ચૂંટણી લડવા માંગતા કોંગી સભ્યોને હાજર રહેવા નિમંત્રણ અપાયું છે. જેથી કોંગી કાર્યકરોમાં પણ ગતિવિધિઓ તેજ થઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જામનગર લોકસભાની બેઠક માટેની સેન્સની પ્રક્રિયા અગાઉ હાથ ધરી લેવામાં આવી હતી અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગરની બેઠક પરથી હાર્દિક પટેલને ચૂંટણી લડાવવા માટે પ્રતિક્રિયાઓ હાથ ધરવામાં આવી છે જેમાં જામનગરના કોંગી હોદેદારોએ સર્વ સંમતિ પણ આપી દીધી છે. જો કે આગામી 18 તારીખે અદાલતમાં સુનવણી પછી હાર્દિક પટેલ માટેનું ચિત્ર સ્પષ્ટ થશે.