મૃત્યુનો આંક 21 નો થયો : અન્ય 11 દર્દીઓ સારવાર હેઠળ 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર પંથકમાં સ્વાઇનફલુનો રોગચાળો કાબુમાં આવવાનું નામ લેતો નથી અને દિન-પ્રતિદિન મૃત્યુનો આંક વધતો જાય છે. આજે વહેલી સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દ્વારકાની મહિલા દર્દીએ સ્વાઈન ફ્લુના વોર્ડમાં દમતોડી દીધો છે જેથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીના મૃત્યુનો આંકડો 21 નો થયો છે હજુ 11 દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. 
મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતી 46 વર્ષની વયની હીનાબેન નામની મહિલા દર્દીને તા. 11-3-19ના દિવસે સ્વાઈન ફ્લુની બીમારીના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં પાંચ દિવસની સારવાર પછી આજે વહેલી સવારે તેણીએ હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો જેથી જી.જી. હોસ્પિટલની ટીમ દ્વારા તેણીના મૃતદેહની બારોબાર અંતિમવિધી કરવામાં આવી હતી.
ચાલુ સીઝનમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના કારણે કુલ 21 દર્દીઓના મૃત્યુ થયા છે જયારે જી.જી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કુલ 11 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જે પૈકી વધુ એક દર્દીની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે હજુ સ્વાઈન ફ્લુનો રોગચાળો કાબુમાં આવતો નથી અને જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે જેથી આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.