પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના જોડીયામાં આવેલ જૈન દેરાસરમાં કોઈ તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા અને નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે તસ્કરોને કશું હાથ ન લાગ્યું હોવાથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. આ બનાવ અંગે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. 
મળતી વિગત મુજબ જોડીયામાં આવેલી બારી શેરીમાં વસવાટ કરતા હસમુખભાઈ નવલચંદ્ર કોઠારી નામના ૭૨ વર્ષના વૃદ્ધ પોતાના નિત્યક્રમ મુજબ ઘર પાસે જ આવેલા દેરાસરમાં ગઈકાલે સવારે છએક વાગ્યે દર્શનાર્થે ગયા હતાં. આ વેળાએ તેઓએ દેરાસરના મુખ્ય દરવાજાનું તાળુ નકુચા સાથે તૂટેલું જોઈ અન્ય વ્યક્તિઓને જાણ કરી હતી. દોડી આવેલા વ્યક્તિઓએ દેરાસરમાં તપાસ કરતા ગુરૃવારની રાત્રીથી શુક્રવારની સવાર સુધીમાં કોઈ શખ્સોએ નકુચા સાથે તાળુ તોડી નાખી અંદર ચોરીના ઈરાદે પ્રવેશવાનો પ્રયાસ કર્યાની વિગતો બહાર આવતા હસમુખભાઈએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૫૧૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.