25 જેટલી ઘઉંની ગુણી કબ્જે : માલીકની કોઈને ખબર નથી : નામ પૂરતી કામગીરી હોવાનો લોકોનો આક્ષેપ : મામલતદાર અને ટિમ દ્વારા દરોડો   
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરમાં ગઈકાલે મામલતદાર અને સ્ટાફે માર્કેટિંગ યાર્ડ ખાતે વેંચાણ અર્થે આવેલ શંકાસ્પદ ઘઉંનો જથ્થા દરોડો પાડી ઝડપી લીધો હતો. તેમજ આ મામલે 25 જેટલી શંકાસ્પદ ઘઉંની ગુણીઓ કબ્જે લઇ આ જથ્થાનો માલીક કોણ છે તે અંગે તપાસ હાથ ધરી પુરવઠા નિગમને ઘઉંનો જથ્થો સુપ્રત કરી કાર્યવાહી હાથ ધરી હતી. 
જામજોધપુર મામલતદાર કાછડ દ્વારા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડી વેચાણ અર્થે આવેલ શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપી લઇ 25 જેટલી ગુણીઓ કબ્જે કરી હતી અને આ ઘઉંના જથ્થાના માલીકની કોણ છે તે અંગે તપાસ હાથ ધરી હતી. ગરીબોને ફાળવવામાં આવતો રેશનિંગનો જથ્થો બારોબાર ભપ કરી  જતો હોવાની અનેક વખત લોક ફરિયાદ ઉઠવા પામી છે જયારે આ કામગીરી કરવામાં આવી હોય પરંતુ માત્ર નામ પૂરતી આ કામીગીરી થતો હોવાનો લોકો દ્વારા તંત્ર સામે આક્ષેપ કરાયો છે. માત્ર નાની નાની માછલીઓને પકડવા જતા મોટા મગરમછો રહી જતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ઝડાયેલા આ ઘઉંના જથ્થાનું રોજકામ કરી પુરવઠા નિગમને સુપ્રત કરી દઈ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. એક તરફ જામનગર જિલ્લામાં આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હરખપદુળા થઇ નામ પૂરતી કામગીરી થતી હોવાની પણ ચર્ચા જાગી છે.