પોલીસની જુદી-જુદી ટીમોનો ખાણખનિજ ખાતા સાથે સામુહિક દરોડો : બાદનપર સહિતના વિસ્તારમાં ઉંડ નદીમાંથી રેતી ચોરી કરનારા તત્વોને પરોઢીયે દરોડા પાડી રંગેહાથ ઝડપી લેવાયા 
જામનગર મોર્નિંગ  - જામનગર 
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ખાણમાફિયાઓ બેખોફ બન્યા હતા અને રાત્રીના અંધારામાં રેતીચોરી (ખનિજ)નો કાળોકારોબાર ચાલતો હોવાની વ્યાપક ફરિયાદના પગલે જામનગરનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને આજે પરોઢીયે સામુહિક દરોડા પાડ્યા હતા. જોડીયાના મેઘપર અને પંચકોશી એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે ખાણખનિજ વિભાગને સાથે રાખીને રેતી ચોરીના મોટા નેટવર્કને પકડી પાડ્યું છે. એકાદ ડઝન જેટલા ડમ્પર-ટ્રેકટર સહિતની સામગ્રી ઝડપી લઇ રેતી ચોરીમાં સંડોવાયેલા શખ્સોને અટકાયતમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ઉંડ નદીમાંથી વ્યાપક પ્રમાણમાં રેતી (ખનિજ)ની ચોરી થઇ રહી છે અને કેટલાક માફિયાઓ મોડી રાત્રીના અંધારામાં રેતીચોરીનો કાળો કારોબાર ચલાવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે આખરે જિલ્લા પોલીસ વડાએ આકરૂ પગલું ભરવા માટે પોલીસ તંત્રને દોડતું કર્યું છે. 
જામનગર ગ્રામ્યના એ એસ પી સંદીપ ચૌધરીની રાહબરી હેઠળ જોડીયા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ મેઘપર પોલીસ સ્ટેશન અને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડી વગેરેએ જામનગરની ખાણખનિજ કચેરીના સ્ટાફને સાથે રાખીને આજે પરોઢિયે પાંચેક વાગ્યે જોડીયાના બાદનપર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર ઉંડ નદીના વિસ્તારમાં સામુહિક દરોડાઓ પાડ્યા હતા જે દરોડા દરમ્યાન અનેક સ્થળેથી રેતીચોરીનું નેટવર્ક સામે આવ્યું હતું અને ખાણમાફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. 
પોલીસના વ્યાપક અને સામુહિક દરોડાના સમયે કેટલાક ડમ્પરોમાં અને ટ્રેકટરમાં રેતીની ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને પોલીસ તંત્રએ રેતી ભરેલા કેટલાક ડમ્પરો અને ટ્રેકટર ઉપરાંત રેતી ભરવાની રાહમાં ઉભેલા એકાદ ડઝન જેટલા વાહનો પકડી પાડ્યા હતા અને આ કામગીરી સમયે હાજર મળી આવેલા રેતીચોરીને પકડવાની પણ કામગીરી હાથ ધરી હતી. પોલીસને ઓચિંતી કામગીરીથી ખાણમાફિયાઓમાં ફફડાટ મચી ગયો હતો અને કેટલાક તત્વો પોતાના વાહનો વગેરેને છોડીને ભાગ્યા છે જે તમામના નામો શોધીને તેઓને પકડવા માટે તેમજ તમામ શખ્સો સામે જોડીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાણખનિજ વિભાગની ટીમ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

*14 ડમ્પર, 3 ટ્રેકટર અને એક જેસીબી મશીન સહિતની સામગ્રી કબ્જે 

જોડીયાના પંથકમાં ખાણમાફિયાઓને ઝેર કરવા માટે પોલીસ તંત્રએ સામુહિક દરોડાઓ પાડવામાં આવ્યા હતા જે દરમ્યાન પોલીસે કુલ 14 ડમ્પરો અને 3 ટ્રેકટરો કબ્જે કરી લીધા હતા જેમાં 8 ડમ્પરોમાં રેતી ભરેલી હતી જયારે એક ટ્રેકટરમાં રેતી ભરેલી હતી. બાકીના વાહનોમાં રેતી ચોરી કરીને ભરવાની કામગીરી ચાલતી હતી.
આ ઉપરાંત રેતી ભરવા માટેનું એક જેસીબી મશીન પણ પકડી પાડવામાં આવ્યું છે પોલીસે કુલ 17 વાહનો અને એક જેસીબી મશીન સહિતની સામગ્રી કબ્જે કરી લઇ ખાણખનિજ વિભાગને સુપ્રત કરી દીધા છે. કેટલાક ખાણમાફિયા હાથમાં આવ્યા છે. પરંતુ કેટલાક ભાગી છૂટ્યા છે ખાણખનિજ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.