જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં બે પરિવારો વચ્ચે તકરાર થઇ છે અને એક પરિવારની ચાર વ્યક્તિઓ ઉપર 11 જેટલા શખ્સોએ તલવાર-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો છે પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે. ઠઠ્ઠા મશ્કરી કરવાના પ્રશ્ને આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
મળતી વિગત મુજબ લાલપુરના પીપળી ગામમાં રહેતાં ચનાભાઈ પરબતભાઈ મકવાણાના ઘર પાસેથી અવારનવાર પસાર થતાં સાગર જીવા મકવાણા તથા તેના ભાઈઓ ચનાભાઈના ઘર સામે જોઈ ગીતો ગાતા હોય અને ઠઠ્ઠા મશ્કરી કરતાં હોય ચનાભાઈએ અગાઉ ઠપકો આપ્યો હતો તેમ છતાં સાગર તે કૃત્ય કર્યે રાખતો હતો. તે દરમ્યાન ગઈકાલે સાંજે સાગર જીવા તથા અમર હીરા મકવાણા, કિશન ચમન મકવાણા, હીરા હરજી મકવાણા, જીવા હરજી, ગંગાબેન જીવા, જશુબેન ચમન મકવાણા, પારૃલબેન હીરા, મણીબેન હરજી તથા નરશી બીજલ મકવાણા નામના અગીયાર વ્યક્તિઓ તલવાર, ધોકા, પાઈપ ધારણ કરી ધસી આવ્યા હતાં. આ વ્યક્તિઓએ ચનાભાઈ પર હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે વચ્ચે પડનાર ભાનુબેન, દિનેશભાઈ, ગોવિદભાઈને પણ ધોકાવ્યા હતાં. ત્યાર પછી આરોપીઓ નાસી છુટયા હતાં. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી ચનાભાઈએ પાલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(ર), ૩૨૬ તથા જીપીએક્ટની કલમ ૧૩પ(૧) હેઠળ ગુન્હો નોંધી પોલીસે તમામ આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી છે.