"ચા કરતા કીટલી ગરમ" જેવો ઘડાતો ઘાટ 


વચેટીયાઓ મેદાને પડ્યા: 500 થી લઈને લાખો રૂપિયા મતની કિંમત...?:
 મતોનું  બંધ બારણે  વેંચાણ...?: જામનગરનું બજાર ગરમ 


જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આગામી લોસભા ચૂંટણીનો સીધો જંગ છે. આમતો ઘણાબધા પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા અને "સમયસર" કેટલાય ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લીધા. આમ તે મુજબ મુખ્ય બે પક્ષોની જ આ પંથકમાં ચૂંટણી જંગ જામે છે અને આ વખતે ભાજપ-કોંગ્રેસ પક્ષ વચ્ચેના સીધા જંગમાં કેટલાક વચેટીયા ખાબક્યા છે. 
એક તરફ આઇપીએલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય રહેલ છે. તેમાં અબજો રૂપિયાનો સટ્ટો રમાય છે અને આ વખતે ચૂંટણી તે પણ આજ દિ સુધી કોઈએ ન જોઈ હોય તેવી રસાકસી ભરી જેમ ક્રિકેટ છેલ્લી ઓવરોમાં એક-એક રન કિંમતી હોય છે તેમ તેમ ઉમેદવારો માટે પોતાને જીતવા એક-એક મત કિંમતી હોય છે જેમ ક્રિકેટમાં એક-એક બોલ પર રનફેરના સોદાઓ પાડવામાં આવે છે તેમ હાલમાં ચૂંટણીને લઈને "મતદારો"ના સોદાઓ કરવામાં વચેટીયા કામે લાગી ગયા છે. 
હાલ બંને પક્ષમાં જશ ખાટવા કેટલાક વચેટીયાઓએ 500થી લઇ લાખો રૂપિયા મતની કિંમત નક્કી કરી રહ્યા છે અને જીતવા માટેના મતોના ભાવ નક્કી થઇ રહ્યા છે. તેમાંય વળી નાનાથી લઇ મોટા માણસો સુધીના "ભાવો" પાડવામાં આવેલ છે. તેવું બજારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ લોકોએ પ્રલોભનમાં પડ્યા વગર સ્વેચ્છાએ પોતાનો પવિત્ર મત પોતાને લાગતાં યોગ્ય ઉમેદવારને દેવો જોઈએ નહીં કે પૈસાની લાલચે..... 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતી એક કહેવત મુજબ અત્યારે ઉમેદવારોના વચેટીયા એ રીતે વર્તન કરી રહ્યા છે કે " ચા કરતા કીટલી ગરમ" અને એક-એક મત માટે "બ્લેકમની" (કાળું નાણું) બજારમાં પાથરી રહ્યા છે. બીજી તરફ જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના તમામ બેંકોના એટીએમપ પર ચૂંટણી પહેલા જ  રૂપિયા 2000ના દરની ચલણી નોટો ખલાસ થઇ ગઈ હોય એવો પ્રશ્ન પ્રજામાં ઉઠી રહ્યો છે કે, 2000ના દરની નોટને જાણે કે પગ આવી ગયા હોય તેમ ભાજપ-કોંગ્રેસના અમુક ઉમેદવારો પાસે ચૂંટણી માટે આરામ ફરમાવી રહી હોય તેવું જાણવા મળે છે.