આરોપી યુવતી સાથે સગપણ કરવાનો પ્રસ્તાવ ટ્રેઈની તબીબે ઠુકરાવી દેતા બદનામ કરવા માટેનું કાવતરૂ કરી ફેસબુકનો દુરઉપયોગ કર્યાની કબૂલાત 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરની મેડીકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં રહેતા અને તબીબી અભ્યાસ કરતા એક ટ્રેઈની તબીબના ફેસબુકનું બોગસ એકાઉન્ટ તૈયાર કરી તબીબના અન્ય વ્યક્તિ સાથેના ફોટોગ્રાફ મોર્ફ કરી બદનામ કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું અને બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી અને ફોટોગ્રાફ અપલોડ કરી દેવાયા હતા જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાયા પછી જામનગરની સાઇબર ક્રાઇમની ટીમે ઉંડાણ પૂર્વકની તપાસના અંતે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનાર રાજકોટની એક યુવતીને શોધી કાઢ્યા પછી તેની ધરપકડ કરી લીધી છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી છે. આરોપી યુવતી દ્વારા ફરિયાદી તબીબ સાથે સગપણ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ ઠુકરાવી દેતા બદલો વાળવા માટે આ કૃત્ય કર્યું હોવાની યુવતી દ્વારા કબુલાત અપાઈ છે. 
મૂળ રાજકોટના વતની અને હાલ જામનગરની મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં રહેતા અને જી.જી. હોસ્પિટલમાં ટ્રેઈની તબીબ તરીકે ફરજ બજાવતા કેવન હરસુખભાઈ પટેલએ જામનગરની સાઇબર ક્રાઇમ સેલમાં અરજી કરી જણાવ્યું હતું કે પોતાના ફેસબુકનો દુરઉપયોગ કરી કોઈ અજ્ઞાત શખ્સોએ પોતાના ફેસબુકનું નવું એકાઉન્ટ ખોલાવી તેમાં પોતાની સાથે અન્ય મહિલા વ્યક્તિના ફોટાને મોર્ફ કરીને જોડી દઈ બદનામ કરવાનું તેમજ યાતનાઓ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે જે ફરિયાદ અરજીના અનુસંધાને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા ટ્રેઈની તબીબની ફરીયાદના આધારે સીટી વી ડિવિઝન પોલીસ મથકમાં આઈ.ટી. એક્ટ અને સાઇબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો હતો. 
જે અરજીની તપાસ જામનગર સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા આગળ ધપાવવામાં આવી હતી અને મેઈલ મારફતે યુ.એસ.એ.ની ફેસબુકની કંપનીમાં સંપર્ક સાધી ઉપરોક્ત એકાઉન્ટના આઈ.પી.ડી.આર. મેળવવામાં આવ્યા હતા જે આઈ.પી.ડી.આર.ના આધારે મોબાઈલ ફોનની કંપનીના હેડ ઓફિસનો સંપર્ક સાધી સાઇબર ક્રાઇમની ટીમે ઉંડાણ પૂર્વકની તપાસ કરતા આ ફેસબુક એકાઉન્ટ રાજકોટમાં રહેતી રૂચિ વિનોદભાઈ કોરડીયા નામની યુવતી દ્વારા ખોલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી સાઇબર ક્રાઇમની ટીમે રાજકોટ પહોંચી જઈ ઉપરોક્ત યુવતી રૂચિ કોરડિયાની ધરપકડ કરી લીધી હતી, અને જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી છે. 
પોલીસ દ્વારા આરોપી યુવતીની જીણવટ ભરી પુછપરછ કરવામાં આવતા તેણીએ જણાવ્યું હતું કે તે આજથી થોડા સમય પહેલા પોતે એમ ફાર્મ સુધીનો અભ્યાસ કરે છે અને ફરિયાદી ટ્રેઈની તબીબ સાથે સગપણ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને બંને પરિવારો દ્વારા એક બીજાના ઘરે જઈ વાત આગળ ચલાવવામાં આવી હતી પરંતુ કેવન પટેલ દ્વારા લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેવાતા આરોપી યુવતી નારાઝ થઇ હતી અને બદલો વાળવા માટે આવેશમાં આવી જઈ સોશ્યલ મીડિયાનો સહારો મેળવ્યો હતો અને તબીબ અને તેના પરિવારની બદનામી કરવાનું કૃત્ય આચર્યું હતું તેણીએ ફેસબુકનું બોગસ એકાઉન્ટ તૈયાર કરી તેમાં તબીબ અને અન્ય વ્યક્તિના ફોટાઓ મોર્ફ કરીને અપલોડ કરી દીધા હતા. પરંતુ સાઇબર ક્રાઇમની ટીમે ઉંડાણ પૂર્વકની તપાસના અંતે આખકરે મહિલા આરોપીને શોધી કાઢી હતી આ બનાવે જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી વર્તુળમાં તેમજ રાજકોટના તેના મિત્રો અને પરિવારજનોમાં ભારે ચકચાર જગાવી છે.