જામનગર મોર્નિંગ - દ્વારકા 
સુરજકરાડીમાં માસાના દીકરાના લગ્નનું આમંત્રણ નહીં મળતા માઠુ લાગી આવતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા આ બનાવની પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના સુરજકરાડીમાં માલારા તળાવ પાસે રહેતાં અશોકભાઈ રામાભાઈ માતંગ નામના ૩ર વર્ષના યુવાને મંગળવારે સાંજે પોતાના ઘરે પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેમના પત્ની નિલમબેનને થતાં તેઓએ અન્ય પરીવાર જનોને જાણ કર્યા પછી અશોકભાઈને નીચે ઉતારી સારવાર માટે મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અશોકભાઈનું મોડી રાત્રે મૃત્યુ નિપજયું હતું. ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરતાં મીઠાપુરના જમાદાર કે.આર. જાડેજા દોડી ગયા હતાં. તેઓએ  મૃતદેહને પી.એમ. માટે ખસેડી નિલમબેનનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યા મુજબ અશોકભાઈના માસીના દિકરાના તાજેતરમાં લગ્ન યોજાયા હતાં. જેમાં તેઓને આમંત્રણ આપવામાં ન આવતાં માઠુ લાગી આવતાં અશોકભાઈએ આ પગલું ભર્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.